1. Home
  2. ગુજરાતી
  3. વીર ગાથા-2: બાબરની ઈસ્લામના નામે ટેકો આપવાની માગણી ઠુકરાવી દેશભક્તિને પસંદ કરનાર રાજા હસનખાન મેવાતીને સલામ
વીર ગાથા-2:  બાબરની ઈસ્લામના નામે ટેકો આપવાની માગણી ઠુકરાવી દેશભક્તિને પસંદ કરનાર રાજા હસનખાન મેવાતીને સલામ

વીર ગાથા-2: બાબરની ઈસ્લામના નામે ટેકો આપવાની માગણી ઠુકરાવી દેશભક્તિને પસંદ કરનાર રાજા હસનખાન મેવાતીને સલામ

0
Social Share
  • હસનખાન એક ચંદ્રવંશી ખાનજાદા (પઠાણ) આહીર હતા
  • પૂજાપદ્ધતિ બદલવા છતાં દેશભક્તિ સાબૂત રાખી હસનખાને
  • રાણા સાંગાની સાથે મળીને બાબરનો કર્યો હતો મુકાબલો

દેશભક્તિ કોઈ ધર્મ-મજહબ-પૂજાપદ્ધતિ સાથે જોડાયેલી બાબત નથી. માટીનું લુણ જેના પેટમાં હોય અને જેને તેની કિંમત હોય, તે દરેક દેશભક્ત બનીને પોતાનું કર્તવ્ય મોટા-મોટા બલિદાનો સાથે નિભાવતા હોય છે. અલવરના આવાજ એક વીર દેશભક્ત સપૂત રાજા હસન ખાન મેવાતીને યાદ કરવા પડે. તેમની દેશભક્તિને સો-સો સલામો પણ ઓછી પડે.

15મી માર્ચ, 1527ના રોજ મેવાતના આખરી રાજા હસનખાન મેવાતી ખાનવાના મેદાનમાં મેવાડના રાણા સંગ્રામસિંહ સાથે મળીને આક્રમણખોર મુઘલ બાદશાહ બાબર સામે યુદ્ધ કરતા વીરગતિ પામ્યા હતા. રાજા હસનખાન મેવાતીએ પોતાના 12 હજાર જેટલા વીર સૈનિકો સાથે મળીને દેશ પર હુમલો કરનારા બાબરની સામે ખરાખરીનો જંગ ખેલ્યો હતો. તેમની દેશભક્તિ અને વીરતા પર માત્ર મેવાત નહીં, પણ આખા ભારતે ગર્વ છે. તેમની વીરગતિના 490થી વધારે વર્ષ થયા છે તેમ છતાં મેવાતની જનતાના દિલમાં રાજા હસનખાન મેવાતીની દેશભક્તિની વાતો હજીપણ તાજી છે. પલવલમાં દર વર્ષે રાજા હસનખાન મેવાતીના બલિદાન દિવસની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવે છે.

વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’

અમર શહીદ રાજા હસનખાન મેવાતી નામના પુસ્તકના લેખક ઈતિહાસકાર સદ્દીક મેવાનું કહેવું છે કે રાજા હસનખાન મેવાતી 16મી સદીના મહાન દેશભક્ત રાજા હતા. અકબરનામામાં તે સમયના ચાર યોદ્ધાના વર્ણન છે અને તેમા હસનખાનનો સમાવેશ થાય છે. તેમને મેવાતનું રાજ્ય પોતાના પૂર્વજો પાસેથી વારસામાં મળ્યું હતું. તેમના પૂર્વજો લગભગ પોણા બસ્સો વર્ષથી મેવાત પર રાજ્ય કરતા હતા. રાજા હસનખાન મેવાતીએ ક્યારેય વિદેશી હુમલાખોરો સાથે સમજૂતી કરી નથી અને તેમણે ભારતની માટીના સમ્માનની સુરક્ષા માટે હિંદુ રાજાઓનો સાથ આપ્યો હતો.

બહાદૂર નહાર દ્વારા 1353માં સ્થાપિત મેવાત રાજ્યના તેઓ સાતમા શાસક હતા. અલવર તેમની રાજધાની હતી. અલવરના ઉત્તર-પશ્ચિમની અરવલ્લીની પર્વતમાળાના એક શિખર પર હસનખાને એક મજબૂત કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આ કિલ્લાની ઊંચાઈ લગભગ 1000 ફૂટ છે. તેની લંબાઈ ત્રણ માઈલ અને પહોળાઈ એક માઈલ છે. તેમના કિલ્લામાં 15 મોટી અને 52 નાની બારીઓ છે. આ કિલ્લા પર લગભગ ત્રણ હજાર પાંચસો કાંગરા છે. આ કિલ્લો બાલાયેના કિલ્લા તરીકે મશહૂર છે.

ગુજરાત ગૌરવ ગાથા-1 : શું તમે જાણો છો, ઘોરીની ગુજરાતીના હાથે હાર, ગઝનવી-અકબરને ટક્કર ગુજરાતનું “પાણિપત” અને “જલિયાંવાલા બાગ”!

મુસ્લિમ સલ્તનતના પ્રારંભિકકાળમાં તુઘલખ વંશી ફિરોજશાહના વખતમાં ઘણાં રાજપૂત પરિવારોએ ઈસ્લામ અંગિકાર કર્યો હતો. તેમા રાજસ્થાનના સરહેટાના રાજકુમાર સમરપાલ પણ હતા. સમરપાલની પાંચમી પેઢીએ 1492માં હસનખાનના પિતા અલાવલ ખાન મેવાતના રાજા બન્યા હતા. માટે હસનખાન જાદૂ ગોત્ર અથવા તો યદુવંશ સાથે સંબંધ ધરાવે છે. હસનખાન 1505માં મેવાતના રાજા બન્યા હતા. 1526માં જ્યારે મુઘલ બાદશાહ બાબરે ભારત પર હુમલો કર્યો, ત્યારે ઈબ્રાહીમખાન લોદી, હસનખાન મેવાતી અને દિગરના રાજાઓએ સાથે મળીને પાણિપતની લડાઈમાં મુઘલ સેનાનો મુકાબલો કર્યો હતો. આ લડાઈમાં રાજા હસનખાન મેવાતીના પિતા અલાવલ ખાન વીરગતિ પામ્યા અને લોધી વંશની સત્તા સમાપ્ત થઈ હતી.

પાણિપતની લડાઈમાં વિજય બાદ બાબરે દિલ્હી અને આગ્રા પર તો અધિકાર મેળવી લીધો, પરંતુ ભારતના શહેનશાહ બનવા માટે તેને મેવાડના મહારાણા સંગ્રામસિંહ અને મેવાતના રાજા હસનખાનના પડકારોનો ઘણો મોટો સામનો કરવો પડયો હતો. બાબરે હસનખાન મેવાતીને પોતાની સાથે મેળવવા માટે ઈસ્લામના નામે દેશ સાથે ગદ્દારી કરવાની લાલચ આપી હતી અને એક લડાઈમાં બંધક બનાવવામાં આવેલા રાજા હસનખાન મેવાતીના પુત્રને બિનશરતી ધોરણે મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ યદુવંશી રાજપૂતી લોહી પૂજાપદ્ધતિ અને પંથ-સંપ્રદાય બદલવાથી દેશની સાથે ગદ્દારી કરી શકે નહીં તે વાત રાજા હસનખાન મેવાતીએ પોતાની દેશભક્તિ દ્વારા સાબિત કરી દીધી. બાબરના મજહબના નામે દેશ સાથે ગદ્દારી કરવાની કોશિશોને રાજા હસનખાન મેવાતીએ નિષ્ફળ બનાવી અને મુઘલ બાદશાહને રણભૂમિમાં મળવાની વાત કરી હતી.

આ પ્રસંગનું વર્ણન ઘણાં ઈતિહાસકારોએ કંઈક આવી રીતે કર્યું છે કે એક દિવસ મેવાતીને બાબરનો પેગામ મળ્યો, જેમાં બાબરે મજહબની દુહાઈ દેતા તેમને મળવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. બાબરે તેની સાથે મેવાતીને ઘણી અન્ય લાલચો પણ આપી, પરંતુ મેવાતીએ બાબરનો પેગામ ઠુકરાવીને દેશભક્તિને પસંદ કરી હતી. બાદમાં બાબરે ધમકી આપવાનું શરૂ કર્યું કે હું તમારા પુત્રને મુક્ત કરી દઈશ. તમે મારી સાથે મળી જાવ. તેના પર મેવાતીએ જવાબ આપ્યો કે હવે આપણી મુલાકાત યુદ્ધના મેદાનમાં થશે.

15 માર્ચ, 1527ના રોજ રાજા હસન ખાને રાણા સાંગા સાથે મળીને ખાનવાના મેદાનમાં બાબરની સેનાની સામે ભીષણ યુદ્ધ કર્યું હતું. એક તીર અચાનક રાણા સાંગાના માથા પર વાગ્યું અને તેઓ હાથી પરથી નીચે પડી ગયા. ખનવાના યુદ્ધમાં રાણા સાંગાના નિકટવર્તી મિત્ર ચંદેરીના આફરિયા ગોત્રના યદુવંશી અહીર રાજા મેદનીરાય પણ ઘાયલ થયા હતા. તેના કારણે જ્યારે ભારતીય સેનામાં આ ઘટના બાદ ખળભળાટની સ્થિતિ ફેલાતી જોઈને રાજા હસનખાન મેવાતીએ સેનાપતિનો ઝંડો ખુદ સંભાળ્યો હતો. બાબરની બર્બર સેનાને લલકારતા તેના પર રાજા હસનખાને ભીષણ હુમલો કર્યો હતો. રાજા હસનખાન મેવાતીને 12 હજાર ઘોડેસવાર સૈનિકો બાબરની સેના પર તૂટી પડયા અને તે વખતે તોપનો એક ગોળો મેવાતીની છાતીમાં વાગ્યો હતો. જેને કારણે હસનખાન વીરગતિ પામ્યા હતા.

બાદમાં મુઘલ વંશની દિલ્હી ખાતે શરૂઆત થઈ હતી. શહીદ રાજા હસનખાન મેવાતીના મૃત શરીરને તેમના પુત્ર તાહીરખાન, નજીકના સગાં જમાલખાન અને ફતેહજંગ લઈને આવ્યા હતા. બાદમાં રાજા હસન ખાનના પાર્થિવ શરીરને અલવર શહેરના ઉત્તરમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો હતો. અહીં રાજા હસનખાનના નામ પર એક યાદગાર છતરી બનાવવામાં આવી હતી. પરંતુ 1947માં ભારત વિભાજનની ઘટના વખતે રાજા હસનખાનની છતરીને પણ કેટલાક ઉન્માદી તત્વોએ નષ્ટ કરી હતી. જો કે તેમને રાજા હસનખાન મેવાતીના બલિદાનની હકીકતોની જાણકારી નહીં હોય. જો આવી જાણકારી હોત, તો કોઈપણ ભારતીય વ્યક્તિ આવા વીર દેશભક્તના સ્મૃતિચિન્હોને કદાપિ કોઈપણ નુકસાન કરી શકે નહીં. શહીદ હસનખાન મેવાતની નામે એક મેડિકલ કોલેજ બનાવીને તેમની યાદને તાજી રાખવાની કોશિશ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code