- 2036ની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને પાવર અને વેઈટ લિફ્ટિંગ જીમ બનાવાશે,
- જીમ બનાવવા માટે અંદાજે 20 કરોડથી વધુ ખર્ચ થશે,
- નિષ્ણાતોની મદદ લેવામાં આવશે
સુરતઃ ભારતને વર્ષ 2036માં ઓલિમ્પિકનું યજમાનપદ મળવાનું છે. તે પહેલા જ ઓલિમ્પિક માટેના મેદાનો તૈયાર કરવા જરૂરી છે. ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને મેદાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા પણ ઓલિમ્પિકને ધ્યાને રાખીને પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગનું જીમ બનાવશે. અંદાજીત 20 કરોડના ખર્ચે આ જીમ બનશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ઓલિમ્પિક 2036 માટે એક ખાસ રમત એટલે કે વેઇટ લિફ્ટિંગ માટે ઓલમ્પિક કક્ષાના જીમ બનાવવા માટેની અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તે પ્રકારની અમે તમામ સુવિધાઓ તૈયાર કરવા તૈયારીઓ શરૂ કરી છે. ઓલિમ્પિક કક્ષાનું વેઇટ લિફ્ટિંગ માટે જીમ બનાવવાના છે, એ યુનિવર્સિટીના કેમ્પસમાં બનાવાશે.
તેમણે વધુમાં કહ્યુ હતું કે, આ માટે અલગ અલગ પ્રકારના ટેક્નિશિયનો એક્સપર્ટ છે, તેનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. જેથી અંતિમ ખર્ચ 20 કરોડથી વધારે હોઈ શકે છે. અંતિમ રકમ જે એક્સપર્ટ ટીમ આપશે એના આધારે જ અમને ખબર પડશે, કુલ ખર્ચની રકમ કેટલી છે. તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓની સાથે ઓનલાઇન બેઠક કરી હતી. એમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુલપતિઓને આદેશ કર્યો હતો કે, પ્રત્યેક યુનિવર્સિટી કોઈપણ એક રમત નક્કી કરે અને પસંદગીની તે રમતમાં પોતાની યુનિવર્સિટીના યુવાનોને ચેમ્પિયન બનાવે. 2036માં ગુજરાત સહિત ભારતના ઓલિમ્પિકના યજમાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેથી આપણા યુવાનોને રમતગમતમાં તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. આ જ મામલે રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓએ એકબીજા સાથે ચર્ચા કરી રમતની પસંદગી કરી પોતાની યુનિવર્સિટીના જે તે સ્પોર્ટ્સને વધુ સુદૃઢ કરે અને રમતના મેદાનો તૈયાર કરી રહ્યા છીએ.