વીર નર્મદ યુનિ.નું બીકોમ સેમ-6નું ઇકોનોમિક્સનું પ્રશ્નપત્ર ફૂટી જતાં આખરે પરીક્ષા રદ કરાઈ
સુરતઃ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ નહીં પણ હવે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પણ પ્રશ્નો પત્રો ફુટવા એ સહજ બની ગયુ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, એક દિવસ પહેલાં જ પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું હતુ. પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. વારંવાર પેપર ફૂટી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતા તત્વો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સ્ક્વોડને માહિતી મળી હતી કે કલાક પહેલાં જ પેપર ખૂલ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તથા સમગ્ર મુદ્દે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે, જેથી એક્ઝામ સુપરિન્ટેન્ડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આ પેપર ફૂટી ગયું હતું. વિદ્યાર્થીઓએ જ પ્રોફેસરને જાણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું, જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો. વારંવાર પરીક્ષાઓ રદ થતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પરીક્ષા રદ કરાતા 10થી 12 હજાર વિદ્યાર્થીને સીધી અસર થઈ છે. પરીક્ષક દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ એક કલાક કરતા વધારે સમય સુધી પેપર લખ્યા બાદ પરીક્ષકે કહ્યું કે તમારુ પેપર લીક થઈ ગયું છે માટે તમામ વિદ્યાર્થીઓએ પેપર લખવાનું બંધ કરવાનું રહેશે.