ગારિયાધારઃ શહેરમાં વાલમચોક પાસે નવી શાક માર્કેટનું બિલ્ડિંગ બનીને સાત વર્ષથી તૈયાર થઈ ગયું છે. જે હજુ સુધી બીન ઉપયોગી રહેતા શાક માર્કેટનું બિલ્ડિંગ ખંડેર બની રહ્યું છે. બિલ્ડિંગના આંગણમાં ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા છે. અને બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાય રહ્યુ છે. શાકમાર્કેટનાં થડા અપસેટ પ્રાઇઝ ઉંચી હોવાથી કોઇ લેવા તૈયાર નથી. શાક માર્કેટમાં 8 દુકાન તેમજ 20 થડા છે. ત્રણ વર્ષ પહેલાં નગરપાલિકા દ્ધારા 8 દુકાન તેમજ 20 થડાની જાહેર હરરાજી કરવામાં આવી હતી.જેમાં 8 દુકાનો વેચાઇ ગઇ હતી તેમજ 1 થડાનુ વેચાણ થયુ હતુ. ત્યારબાદ 19 થડા હજુ ઘણાં વર્ષોથી ધુળ ખાઇ રહ્યાં છે. શાકભાજીનાં થડાની અપસેટ પ્રાઇઝ ત્રણ થી સાડા ત્રણ લાખ રાખવામાં આવી હતી જેથી કોઇ લેવા તૈયાર નથી.નગરપાલિકા દ્ધારા લાખોનાં ખર્ચે બનાવેલી શાકમાર્કેટ હાલમાં શોભાનાં ગાંઠીયા સમાન ઊભી છે. લોકો પણ નવી શાક માર્કેટ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
ગારિયાધાર શહેરમાં શાકભાજી વેચનારા પચ્છેગામ રોડ તેમજ ગાંધીચોક પાસે ઉભા રહે છે. નવી શાકભાજીનાં થડા કોઇ શાકભાજી વેચનારા ખરીદતા ન હોવાથી હાલમાં ધુળ ખાય રહયા છે. શહેરનાં મધ્યમાં ગારિયાધાર નગરપાલિકા દ્ધારા સાત વર્ષ પહેલાં નવી શાકમાર્કેટ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણ વર્ષ પહેલાં દુકાન તેમજ થડાની જાહેર હરરાજી કરવામાં આવી હતી.પરંતુ માત્ર દુકાનો જ વેપારી દ્ધારા ખરીદવામાં આવી હતી અને 20 થડામાંથી માત્ર એક જ થડો ખરીદાયો હતો. હજુ 19 થડા ઉભા છે. નગરપાલિકાના સત્તાધિશોએ પણ શાકભાજી માર્કેટના થડા વેચવા માટેના કોઈ વધુ પ્રયાસો કર્યા નથી. દરમિયાન નગરપાલિકાના સૂત્રોના કહેવા મુજબ શાક માર્કેટના બાકી રહેલાં થડાની અપસેટ પ્રાઇઝ ઘટાડવાની મંજુરી માંગી છે.પરંતુ અપસેટ પ્રાઇઝ ઘટાડવાની મંજુરી હજુ મળી નથી.મંજુરી મળ્યા બાદ આ થડા બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગારિયાધાર નગરપાલિકાની ગત સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે હાલ ગારીયાધાર નગરપાલિકાની ટર્મ પુરી થતાં વહીવટીદાર નિમાયાં છે, ત્યારે ગારીયાધાર નગરપાલિકા દ્ધારા બાકી રહેલાં શાકભાજીનાં થડા બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે, નહિતર નવી શાકમાર્કેટ દિવસે દિવસે ખંડેર થતી જશે. શાકમાર્કેટની અંદર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલમાં બિન ઉપયોગી પડી રહેલા શાકમાર્કેટની અંદર મોટુ ઘાસ ઉગી નિકળ્યું છે.અને સ્વછતાનો પણ અભાવ જોવાં મળી રહ્યો છે.