- ગુજરાતના તમામ શહેરોમાં શાકભાજીના ભાવ આસમાને,
- ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો,
- કોથમિર 400 અને લીંબુના ભાવ પ્રતિકિલો 180એ પહોંચ્યા
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી સમયાતરે પડેલા સતત વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારાને લીધે મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. માત્ર અમદાવાદ શહેરમાં નહીં તમામ શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. યાર્ડમાં અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના લીધે ભાવમાં તોતિંગ વધારો થયો છે. કોથમિરના ભાવ 400 અને લીંબુના ભાવ પ્રતિકિલો 180ને વટાલી ગયા છે. પ્રતિકિલોના ભાવ જોઈએ તો બટાકાના ભાવ 40થી 50, ડૂંગળીના ભાવ 50થી 60, કોબીના ભાવ 35થી 50, ફ્લાવરના ભાવ 80થી 100, ગવાર 80થી 90, ટીંડોળા 70થી 80નો ભાવ બોલાઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી સમયાંતરે વરસાદ પડ્યો છે. અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક વરસાદને કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો ક્યાંક જનજીવનને ભારે અસર થઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે અમદાવાદ, રાજકોટ સહિત શહેરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
અમદાવાદના શાકભાજીના જથ્થાબંધ વેપારીના કહેવા મુજબ આવક ઘટતાં શાકભાજીના ભાવ એકાએક ઊંચકાયા છે, શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારો દહેગામ, ખેડા, નડિયાદ, દસ્ક્રોઇ સહિતના વિસ્તારોમાંથી શાકભાજીની આવક થતી હોય છે પરંતુ, ખેડા અને આસપાસના તમામ જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી હોવાના કારણે રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે પરિણામે, શાકભાજીની ગાડીઓ અમદાવાદ માર્કેટ સુધી ન પહોંચી શકતા શાકભાજીની આવક ઘટી છે. તેના લીધે ભાવમાં વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવમાં પ્રતિકિલો 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે ડુંગળીનો માલ સૌથી વધુ મહારાષ્ટ્રના નાસિકમાંથી આવતો હોય છે પરંતુ, હાલમાં ત્યાં પણ ખૂબ જ વધુ વરસાદ હોવાને કારણે ડુંગળીની આવક ઘટી છે. જેથી, એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં હોલસેલ માર્કેટમાં 12થી 15 રૂપિયાનો વધારો થયો છે જ્યારે રિટેઈલમાં 20 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે.
રાજકોટ યાર્ડમાં પણ શાકભાજીની આવકો અટકી ગઈ છે. હાલ ભીંડો રૂ. 60, ટામેટા રૂ 80, રીંગણા રૂ. 80 પ્રતિકિલો ભાવ છે. જ્યારે ફ્લાવરની ભારીના રૂ. 200થી 300 છે. કોથમરી પણ રૂ. 400ની કિલો છે અને કારેલા રૂ. 60ના કિલો થયા છે. ભાવમાં મોટો વધારો થવાને કારણે ઘરાકીમાં ઘટાડો થયો છે. સાતમ પહેલાં શાકભાજીની આવકો સારી હતી પરંતુ, વરસાદ પડ્યા બાદ આવક ઘટવાને કારણે ભાવમાં વધારો થયો છે.