Site icon Revoi.in

ચંદ્રાલા હાઈવે પર વાહન ચેકિંગ, લકઝરી બસમાં પિસ્તોલ, દેશી તમંચા સાથે બે શખસો પકડાયા

Social Share

ગાંધીનગરઃ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર સમયાંતરે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ચંદ્રાલા નજીક હાઈવે પર પોલીસે રાજસ્થાન તરફથી આવતી એક લકઝરી બસને રોકીને પ્રવાસીઓની તલાશી લેતા બે પ્રવાસીઓ પાસેથી પિસ્તોલ અને દેશી તમંચો મળી આવતા ચિલોડા પોલીસે બન્ને શખસોની અટકાયક કરીને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ચિલોડા હાઈવે પર સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. દરમિયાન ચીલોડા હિઁમતનગર હાઇવે પર ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પીઆઈ એન્ડરસન અસારીની ટીમ ચેકીંગ કરી રહી હતી. ત્યારે એક ટ્રાવેલ્સની લકઝરી બસને પણ રોકી દેવામાં આવી હતી. બાદમાં ડ્રાઈવર કંડકટરને સાથે રાખી પોલીસે એક પછી એક મુસાફરોનાં સામાનની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન સ્લીપીંગ સીટ નં- L13-L14 માં બેઠેલા બે પ્રવાસીઓ સામાન ચેક કરવા બાબતે આનાકાની કરવામાં લાગ્યા હતા. જેથી પોલીસે પ્રવાસીઓની બેગની તલાશી લેતા બેગમાંથી પિસ્તોલ તેમજ દેશી તમંચો અને ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

ચિલોડા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, લકઝરી બસમાંથી પિસ્તોલ અને દેશી તમંચા સાથે પકડાયેલા શખસોની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ મનીષ ગુલશનકુમાર કટારીયા (જાટ ) (રહે, મન્યુ કોલોની જ્યોતીપાર્ક, ગુડગાવ, હરીયાણા) તેમજ નિખીલ દર્શન કટારીયા (જાટ)(રહે,ધ્યાનંદ કોલોની, ગુડગાવ ગાવ ગુડગાવ, હરીયાણા) હોવાનું જણાવ્યું હતું.  હથિયાર બાબતે નિખીલે કબૂલાત કરેલી કે, પોતે તથા મનીષ જસદણ ખાતે રહેતા વસીમભાઈના ત્યા બોડીગાર્ડ તરીકે નોકરી કરે છે. બંને વતન જવા નીકળેલા ત્યારે વસીમનાં ત્યાં નોકરી કરતાં લાલાભાઇએ (રહે-જસદણ) “આપ કે પાસ કુછ સામાન પડા હૈ તો લેકે આ’ કહ્યું હતું. જેથી તેને ઉક્ત હથિયાર આપવા જતાં હતાં. જેનાં પગલે પોલીસે બંનેની હથિયાર સહિત 42 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લાલાભાઈ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે.