અમદાવાદઃ શહેરમાં પ્રવાસીઓની સલામતી માટે અને ખાસ કરીને મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે શહેરમાં તમામ રિક્ષાઓ અને ટેક્સીમાં પ્રવાસીએ સ્પષ્ટ રીતે જોઈ શકે તે રીતે વાહનનો નંબર, વાહન માલિક અને તેના ચાલકનું નામ અને મોબાઈલ ફોન નંબર, તેમજ પોલીસ કન્ટ્રોલ નંબર ફરજિયાત લખવાનો રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ સંદર્ભનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
અમદાવાદ શહેરમાં અગાઉ રિક્ષા કે ટેક્ષીમાં મુસાફરી કરતા પ્રવાસીઓ સાથે છેતરપિંડી, ચોરી, લૂંટ, છેડતી સહિતના અનેક કિસ્સા બન્યા છે. જેમાં ભોગ બનનારા પાસે વાહનના નંબર ન હોવાથી પોલીસ ચોપડે આ પ્રકારના ગુના વણઉકેલાયા રહે છે. જેથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું રજૂ કરીને શહેરમાં તમામ રિક્ષા અને ટેક્ષીમાં ડ્રાઇવરની સીટ પાછળ ફરજિયાત વાહનનો નંબર, માલિકનું નામ, ડ્રાઇવરનું નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો લખવાની રહેશે. જેને પ્રવાસીઓ વ્યવસ્થિત રીતે વાંચી શકે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું રજૂ કરવામાં આવ્યું છે,
પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઓટોરિક્ષા કે ટેક્સીનું સંચાલન કરતા માલિકે વાહનમાં પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટ રીતે દેખાય તે રીતે વાહનચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજી ભાષામાં વાહનનો નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ અને અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબરો તથા હેલ્પલાઇન નંબર લખેલ 12×10 ઇંચની સાઈઝનું બોર્ડ ફરજિયાત લગાવવાનું રહેશે. આ લખાણ ભૂસાઈ નહીં તે પ્રકારનું હોવું જોઈએ. આ જાહેરનામાની અમલવારી 30 જાન્યુઆરી 2024થી 29 માર્ચ 2024 સુધી રહેશે. આ પ્રકારનું લખાણ ન લખ્યું હોય તે ઓટોરિક્ષા તથા ટેક્સીચાલક સામે જાહેર જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધવામાં આવશે.