ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 48%નો વધારો,તહેવારોની સિઝનમાં માંગમાં વધારો થતા થયો ફાયદા
મુંબઈ:તહેવારોની સીઝનની માંગને કારણે ઓક્ટોબર મહિનામાં દેશમાં વાહનોના છૂટક વેચાણમાં 48 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA) એ સોમવારે આ માહિતી આપી.ઓક્ટોબરમાં વાહનોનું કુલ છૂટક વેચાણ 20,94,378 યુનિટ હતું.જે ઓક્ટોબર, 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતાં 48 ટકા વધુ છે.ઑક્ટોબર 2022 માં, વાહનોની નોંધણી પ્રી-કોવિડ એટલે કે ઑક્ટોબર 2019 કરતાં આઠ ટકા વધુ છે.
ગયા મહિને, તમામ વાહનોની કેટેગરી – પેસેન્જર અને કોમર્શિયલ વાહનો, ટુ વ્હીલર્સ, ટ્રેક્ટર અને થ્રી વ્હીલર્સે ઓક્ટોબર 2021 કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. ગયા મહિને પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ 41 ટકા વધીને 3,28,645 યુનિટ થયું હતું.ઓક્ટોબર 2021માં તે 2,33,822 યુનિટ હતું. એ જ રીતે ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન ગયા મહિને 51 ટકાના ઉછાળા સાથે 15,71,165 યુનિટ પર પહોંચી ગયું છે. ઓક્ટોબર, 2021માં આ આંકડો 10,39,845 યુનિટ હતો.
ઓક્ટોબરમાં કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ 25 ટકા વધીને 74,443 યુનિટ થયું હતું. એક વર્ષ અગાઉના સમાન મહિનામાં તે 59,363 યુનિટ હતું.ઓક્ટોબર 2022માં થ્રી વ્હીલર અને ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 66 ટકા અને 17 ટકાનો ઉછાળો આવ્યો છે.FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો હતો. ડીલરશીપની તમામ શ્રેણીઓમાં આ સમયગાળા દરમિયાન ઘણી માંગ જોવા મળી હતી.તેમણે જણાવ્યું કે આ વર્ષે ઓક્ટોબરમાં વેચાણ પણ 2019ના કોવિડ પહેલાના મહિનાની સરખામણીમાં વધુ રહ્યું છે.