અમરેલીઃ ગુજરાતમાં વાહનોને ફિટનેસ માટે ખાનગી એજન્સીઓને જવાબદારી સોંપાતા જિલ્લા મથકોએ ફિટનેસ સેન્ટરો કાર્યરત બન્યા છે. ત્યારે અમરેલીમાં વાહનો માટે ફિટનેટ સેન્ટર હોવાથી જિલ્લાના રાજુલા. જાફરાબાદ અને ખાંભા વિસ્તારના વાહનચાલકોને 120 કિમીનું અંતર કાપીને અમરેલી આવવું પડે છે. એટલે રાજુલા કે જાફરાબાદમાં સ્થાનિક કક્ષાએ વાહનો માટેનું ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
અમરેલીના રાજુલા જાફરાબાદ ખાંભા સહીતના વિસ્તારના હજારો વાહનો માટે છેક અમરેલી સેન્ટર ફાળવતા લોકોને 120 કી.મી સુધી સમય અને ઈંધણનો બગાડ થાય છે, જેથી વ્હેલી તકે સ્થાનિક કક્ષાએ ફિટનેસ સેન્ટર ફાળવવા અન્યથા અમરેલી આરટીઓ ખાતે ફિટનેસ કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.
રાજ્યમાં આરટીઓ દ્વારા તાલુકા મથકોએ અથવા વધુ વાહનો હોય તેવા સ્થળોએ ફિટનેસ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યારે રાજુલા પંથકમાં હજી એક પણ ફિટનેસ કેન્દ્ર કાર્યરત થયું નથી અગાઉ બે વર્ષ પહેલા રાજુલામાં ફિટનેસ સેન્ટર મંજૂર થયું હતું પરંતુ ગમે તે કારણે વાહનોના પાસિંગ માટેની કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. હાલતો રાજુલા, જાફરાબાદ, અને ખાંભામાં વાહનોની સંખ્યા વધુ છે. વાહનોને ફિટનેસ માટે છેક અમરેલી લઈ જવા પડે છે. જેસીબી, ડમ્પર, લોડર, ક્રેન ટ્રેક્ટર આવા વાહનો પાસિંગ ફિટનેસ કરાવવા માટે અમરેલી સુધી 120 કી.મીના ધક્કા ખાવા પડે છે, અમરેલી, જાફરાબાદ ,ટીંબી,પીપાવાવ ખાતે વિવિધ કંપનીઓ અને ઉદ્યોગોમાં મોટા તોતિંગ વાહનો નોંધાયેલા છે, જેને પાસીંગ માટે દર વર્ષે ફરજિયાત અમરેલી લઈ જવા પડે છે. અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ આરટીઓ દ્વારા પીપાવાવમાં ફિટનેસ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ સેન્ટરની કોઈ કામગીરી શરૂ નથી, ત્યારે રાજુલામાં હવે એક ફિટનેસ સેન્ટરને મંજૂર કરવામાં આવે તો આજુ બાજુ આખા જિલ્લાના વાહનોને સરળતા રહે તેમ છે,