રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીને રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. એઈમ્સ સહિત અનેક વિકાસના કામોના લોકાર્પણ કરાશે. તેમજ વડાપ્રધાન મોદીનો જુના એરપોર્ટથી રેસકોર્સ સુધીનો રોડ શો પણ યોજાશે. જેથી રેસકોર્સ રીંગ રોડની આજુબાજુના 14 રાજમાર્ગો ઉપર વાહન વ્યવહાર માટે પ્રવેશબંધી ફરમાવતું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રોડ શો યોજાશે, આ રોડ શો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડી રેસકોર્સ રીંગ રોડની આજુબાજુના 14 રાજમાર્ગો ઉપર પ્રવેશબંધી ફરમાવી છે. આ ઉપરાંત રેસકોર્સ રીંગરોડને બે દિવસ માટે પ્રવેશબંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના જાહેરનામામાં VIP ગાડીઓ માટે અલગ રૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યારે બસો દ્વારા આવનારા લોકો માટે અલગથી પાર્કિંગ સ્ટેન્ડથી સભા સ્થળ સુધીનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. આ રૂટ પ્રમાણે લોકોને સભા સ્થળે પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ ગીત ગુજરીથી એરપોર્ટ સર્કલ અને રેસકોર્સ તરફનો રસ્તો બંધ રહેશે. જ્યારે આમ્રપાલી અંડર બ્રિજથી જૂની NCC ચોક તરફનો રસ્તો બંધ રહેશે. ટ્રાફિક શાખાથી જૂની NCC ચોક સુધીનો રસ્તો બંધ રહેશે, પોલીસ અધિકારીઓના બંગલાથી રેસકોર્સ રીંગરોડ તરફ વાહનોને પ્રવેશબંધી આપવામાં આવી છે.
આ ઉપરાંત આદિત્ય બિલ્ડીંગ બહુમાળીથી રેસકોર્સ રીંગ રોડનો રસ્તો બંધ રહેશે. ચાણક્ય બિલ્ડીંગથી બહુમાળી ચોક સુધીનો રસ્તો બંધ રહેશે. સર્કિટ હાઉસના ગેઈટથી આકાશવાણી રોડ, ગેલેક્સી બિલ્ડીંગ તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક તરફ આવા-જવા માટેના તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે. તેમજ યાજ્ઞિક રોડ ઠક્કરબાપા કન્યા છાત્રાલયથી જિલ્લા પંચાયત ચોક તરફનો રસ્તો બંધ રહેશે, હરીભાઈ હોલથી યાજ્ઞિક રોડ વિરાણી ચોક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ગોડાઉન ચોકથી મહિલા કોલેજ અંડરબ્રીજ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. કોટેચા ચોકથી સ્વામીનારાયણ મંદિર થઈ મહિલા કોલેજ ચોક અને કિસાનપરા ચોક સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
આમ્રપાલી અંડરબ્રીજથી કિશાનપરા ચોક વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને ભોમેશ્વર મંદિરથી એરપોર્ટ ફાટક તરફનો રસ્તાને પણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જ્યારે ગીત ગુર્જરીથી આરાધના સોસાયટી રેલવે ટ્રેક તરફનો રસ્તો ખુલ્લો રહેશે, ચાણક્ય બિલ્ડીંગથી સ્રૌફ રોડ જામનગર તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો રહેશે, ફુલછાબ ચોકથી રૈયારોડ, કાલાવડ રોડ તરફ જવા માટે ચાણક્ય બિલ્ડીંગથી જામનગર રોડ ઉપર અથવા મોટી ટાંકી ચોકથી યાજ્ઞિક રોડ થઈ અને વિદ્યાનગર રોડ પર થઈ અને મંગળારોડ પરથઈ લક્ષ્મીનગર અંડર બ્રિજથી કાલાવડ રોડ અને રૈયા રોડ પર જઈ શકાશે. સ્વામિનારાયણ મંદિરથી મહિલા કોલેજ અંડરબ્રિજ અને ટાગોર રોડ તરફ વાહન વ્યવહાર ખુલ્લો રહેશે. કોટેચા ચોકથી સ્વામિનારાયણ મંદિર અમિન માર્ગ, લક્ષ્મીનગર અંડરબ્રીજ અને ટાગોર રોડ, યાજ્ઞિક રોડ અને એસ.ટી. બસ તરફનો વાહન વ્યવહાર ચાલુ રહેશે. જ્યારે આમ્રપાલી બ્રીજથી કિશાનપરા ચોક જવા માટે હનુમાન મઢી ચોક, નિર્મળા રોડ, કોટેચા ચોક, અમિન માર્ગ તરફ જઈ શકાશે.
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 24-2-24ના બપોરના 11થી સાંજના 5 વાગ્યા સુધી તેમજ તા. 25-2-24ના સવારે 11 વાગ્યાથી સાંજના કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્સ રીંગ રોડને તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ જાહેરનામું રવિવાર માટે અમલમાં રહેશે. જેનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.