અમદાવાદઃ શિયાળામાં સામાન્યરીતે લીલા શાકભાજી સસ્તા હોય છે, તેને બદલે શિયાળામાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર 1 મહિનામાં જ શાકભાજીના ભાવ 30થી 50 ટકા સુધી વધી ગયા છે. ખાસ કરીને છેલ્લાં 3 મહિનામાં 2 વખત કમોસમી વરસાદ પડ્યો છે. શિયાળામાં શાકભાજી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ગામડાંમાંથી આવતા હોય છે. વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન અડધું થઈ જતાં શાકભાજીના ભાવ નવેમ્બર મહિના કરતાં ડિસેમ્બરમાં વધ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પ્રસિદ્ધ ઊંધિયા અને ઉબાડિયામાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોમાં સૌથી વધારે વધારો થયો છે. અમદાવાદ, રાજકોટ સહિત મહાનગરોમાં પણ શાકભાજીના વધેલા ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે.
રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો થયો છે. મોટાભાગના શાકભાજીના ભાવ છુટકમાં 100 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. બહારના રાજ્યોમાંથી પણ શાકભાજીની આવક ઘટી ગઈ છે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારાને કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે અને ખાસ કરીને ઉબાડિયું અને ઊંધિયામાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોમાં 50 ટકા જેટલો વધારો થયો છે. જેથી ઉબાડિયા અને ઊંધિયાના ભાવ 50 રૂપિયા સુધીનો વધારો થયો છે. ગત વર્ષે 1 કિલો ઉબાડિયાનો ભાવ 250થી 270 રૂપિયા હતો જે આ વર્ષે 300થી 330 છે, જ્યારે ઊંધિયાના એક કિલોના ભાવ ગત વર્ષે 250થી 400 હતાં જે આ વર્ષે 300થી 450 થઈ ગયા છે.
એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘નવેમ્બર મહિના કરતાં ડિસેમ્બરમાં શાકભાજીના ભાવોમાં ખુબ જ મોટો વધારો થયો છે. કારણ કે, 2 વખત વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને શાકભાજીનું 50 ટકા જેટલું ઉત્પાદન ઘટી ગયું છે. 15 જાન્યુઆરી પછી લગ્ન સિઝન શરૂ થશે એટલે શાકભાજીની માંગમાં વધારો થશે અને ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. જોકે ખેડુત આગેવાનોના કહેવા મુજબ ખેડુતોને તો શાકભાજીના પુરતા ભાવ મળતા નથી પણ વચેટિયા અને દલાલોની સીન્ડીકેટને કારણે અને છૂટક ફેરિયાનાઓની વધુ નફાખોરીને કારણે શાકભાજીના વધુ ભાવ ચુકવવા પડે છે.