Site icon Revoi.in

ગુજરાતમાં આ વર્ષે પાઠય પુસ્તકો ન બદલાવવા વિક્રેતાઓએ શિક્ષણમંત્રીને કરી રજુઆત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ઘણા મહિનાઓ બંધ રહ્યું હતું તેથી શાળાઓના પાઠ્ય પુસ્તક વિક્રેતાઓને મોટો ફટકો પડ્યો હતો. હવે કોરોનાના કેસ ઘટી જતાં શાળાઓમાં પણ રાબેતા મુજબ ઓફલાઈન શિક્ષમ કારય શરૂ થઈ ગયું છે. વાર્ષિક પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, નવા શૈક્ષણિક સત્રથી શાળાઓ વિદ્યાર્થીઓના કાલાહટથી ધમધમી ઊઠશે. ત્યારે પાઠ્ય-પુસ્તક વિક્રેતાઓએ સારોએવો પાઠ્ય-પુસ્તકોનો સ્ટોક કરી લીધો છે. ત્યારે હવે કોઈપણ પાઠ્ય પુસ્તકને બદલવામાં આવે તો વેપારીઓને મોટો ફટકો પડી શકે છે. આથી પાઠ્ય-પુસ્તકના વિક્રેતાઓએ આ વર્ષે પાઠ્ય પુસ્તકો ન બદલવાની માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રની તૈયારીરૂપે વેપારીઓએ પાઠય પુસ્તકોનો જથ્થો મગાવી લીધો હોવાથી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા’ તેમાં કોઈ ફેરફાર ન કરવા ગુજરાત સ્ટેશનરી એન્ડ બુક સેલર્સ એસોસિયેશન દ્વારા શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરાઈ છે. કોરોના મહામારીની અસર ઓછી થતાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય પણ શરૂ કરાયું અને પ્રાથમિકથી માંડી માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આગામી નવા શૈક્ષણિક સત્રની તૈયારી રૂપે સ્ટેશનરી વિક્રેતાઓએ તમામ ધોરણના પાઠય પુસ્તકો મગાવી લીધા છે અથવા તો મગાવી રહ્યા હોવાથી નવા સત્રમાં પાઠય પુસ્તકોમાં કોઈપણ જાતના ફેરફારો ન કરવા રજુઆત કરવામાં આવી છે.

રાજ્યના  શિક્ષણમંત્રી સમક્ષ ગુજરાત સ્ટેશનરી, બુક સેલર્સ એસોસિયેશને પાઠ્ય પુસ્તકો ન બદલવા માગણી કરી છે. પાઠ્ય પુસ્તકોના વિક્રેતાઓએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળના લીધે વેપારીઓ આમેય મુશ્કેલી અનુભવી રહ્યા છે તેવામાં જો ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નવા સત્રથી પાઠય પુસ્તકો બદલવામાં આવશે તો મોટો આર્થિક ફટકો પડશે તેથી ગુજરાત સ્ટેશનરી એન્ડ બુક સેલર્સના પ્રમુખ નરેશભાઈ શાહ (અમદાવાદ)ના નેતૃત્વ હેઠળ શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ અને પાઠય પુસ્તક નિયામકને મળી રૂબરૂ આવેદનપત્ર આપી ફેરફાર ન કરવા માંગ કરાઈ હતી. જોકે આ વર્ષે પાઠ્ય-પુસ્તકો ન બદલવા સરકારે હૈયાઘારણ આપી છે.

પાઠ્ય-પુસ્તકોના વિક્રેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે,  ખાનગી શાળાઓ દ્વારા ચાલતા ખાનગી પ્રકાશનોના પુસ્તકો વારંવાર અલગ અલગ પ્રકાશનોમાં મૂકવામાં આવે છે, જેમાં ખાસ કરીને દિલ્હી, મુંબઈના અંગ્રેજી માધ્યમના પુસ્તકો ખૂબ જ મોંઘા હોવા છતાં વેપારીઓને ફરજિયાત મગાવવા પણ પડતા હોય છે, ખાનગી શાળાઓ વારંવાર પાઠય પુસ્તકો બદલાવતી હોઈ બીજા વર્ષે આ પુસ્તકો કામ ન આવતાં વેપારીઓ પાસે નકામા બની જાય છે અને લાખોની નુકસાની વેઠવી પડે છે. તેથી સમગ્ર ગુજરાતમાં શાળાઓમાં અપાતા પુસ્તકો બદલાવવામાં આવે તે પહેલાં વેપારીઓને વિશ્વાસમાં લેવામાં આવે તો નુકસાની ઓછી થાય તેવી વેપારીઓએ માંગ કરી છે. કાગળના ભાવો વધવાથી હાલે નવા સત્રથી નોટબુકો, ફુલસ્કેપ બુકો, ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ભાવોમાં 25થી 30 ટકા ભાવ વધારો આવી ગયો છે તેમજ કંપાસબોક્ષ, કલર, સ્કેચ પેન, બોલપેન કલીક બોર્ડ, સ્કૂલ બેગ, લંચબોક્ષ, વોટરબેગ જેવી શૈક્ષણિક કિટમાં પણ તેટલોજ ભાવ વધારો થયો છે તેમ છતાં વેપારીઓ દ્વારા શક્ય તેટલા વાજબી ભાવ રાખી વાલીઓને સહયોગ આપવા પ્રયત્નશીલ રહેશે.