અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા હોસ્પિટલોમાં કોવિડ બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે. જેથી ખાનગી કોવિડ હોસ્પિટલની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ 70 ટકા જેટલા ભરાઈ ચુક્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની 90 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 2300થી વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે વેન્ટિલેટર બેડ 70 ટકા ભરાઈ ગયા ગયા છે એટલું જ નહીં આઈસીયુ બેડ 73 ટકા ભરાઈ ગયા છે. ખાનગી હોસ્પિટલોની બેડ કેપેસિટી વધીને 3304 કરાઈ છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. તબીબોના જણાવ્યા અનુસાર શહેરમાં કેસો રોજ વધી રહ્યા છે, જો આવી જ સ્થિતિ રહેશે તો ટૂંક સમયમાં ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ જશે. અગાઉ પણ અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી, જેને પગલે અમદાવાદ શહેરના દર્દીઓને કરમસદ, નડિયાદ, ખેડા સહિતની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલવા પડયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી સ્થાનિક તંત્રની સાથે રાજ્ય સરકાર પણ બંને શહેરોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ નિયંત્રણો મુકી રહી છે. ટેસ્ટીંગ વધારવાની સાથે હોસ્પિટલોમાં જરૂરી સુવિધાઓ પણ ઝડપથી ઉભી કરવામાં આવી રહી છે.