- વકફ બોર્ડ બિલ મુદ્દે JPC ગુજરાતની મુલાકાતે,
- ગુજરાત વકફ બોર્ડના સભ્યો અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા,
- લોકોની હિતમાં સુધારાને લગતા સુચનો કરાયા છેઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ વકફ બોર્ડ બિલ સંસદમાં રજુ થયા બાદ વિરોધ થતાં બિલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)ને સોંપવામાં આવ્યું છે. જેસીપીએ લોકો પાસે ઓન લાઈન વાંધા-સુચનો મંગાવ્યા બાદ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. દરમિયાન જેપીસીના 20 સભ્યો આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ અંગે અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં બિલના ફાયદા અને તેનાથી થનારી સંભવિત અસરો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ મુલાકાતની અંદર ગુજરાત વકફ બોર્ડના ચેરમેન તેમજ બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે જ્યારે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી પણ હાજર હતા. જો કે ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવતા હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી..
અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો હતો. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ‘સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે.
કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે. JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે.