VGGS 2024: ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર સેમિનાર મહાત્મા મંદિર ખાતે ગુરૂવારે યોજાશે
ગાંધીનગરઃ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS મિલિંદ તોરવણેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-9 માં ‘ઈ-કોમર્સ: બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ થીમ આધારિત સેમિનાર યોજાશે.
સેમિનારની વિગતો વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, સેમિનારને ત્રણ સત્રમાં વિભાજિત કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં, માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી (નિવૃત્ત) IAS સોમ પ્રકાશ, ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભારત સરકારના સરકારી ઇ-માર્કેટપ્લેસના મુખ્ય કાર્યકારી અધિકારી IAS પ્રશાંત કુમાર સિંઘ, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના જોઈન્ટ સેક્રેટરી IRS સંજીવ અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સના ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષી સંબોધન કરશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે “ટેકગાર્ડ માસ્ટ્રોસ – ફોર્ટીફાઈંગ ધ ફ્યુચર” શીર્ષક ધરાવતા પ્રથમ સત્રનું સંચાલન અસ્તિત્વ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક અને ડાયરેક્ટર પંકજ મોલ દ્વારા કરવામાં આવશે. પેનલના સભ્યોમાં ઉત્તરપ્રદેશ રાજ્યના સાયબર ક્રાઇમના IPS સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રો. ત્રિવેણી સિંહ, જંગલવર્ક્સના CEO અને સ્થાપક સમર સિંગલા, ઈન્ફિબિમ એવન્યુ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા અને સ્ટેટ બેંક ઑફ ઑપરેશન્સ સપોર્ટ સર્વિસિસના ચીફ ટેક્નોલોજી ઑફિસર પ્રતીક સક્સેનાનો સમાવેશ થાય છે. આ સત્ર ઇ-કોમર્સને વધુ બહેતર બનાવવા માટે ઇનોવેશન અને ડિજીટલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઈ-કોમર્સનું ભવિષ્ય, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા, વૈશ્વિક વલણો, ક્રોસ-બોર્ડર પોલિસી ઈકોસિસ્ટમ્સ, સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ અને અનુપાલન આ બધાં જ આ સત્રના મુખ્ય ફોકસ ક્ષેત્રો હશે.
‘બેનિફિટ્સ 4 યુ – ઈન્ક્લુઝન ઑફ ગ્રાસરૂટ્સ’ પર બીજું સત્ર યોજાશે, જેનું સંચાલન અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપીના પાર્ટનર ડૉ. સત્યમ શિવમ સુંદરમ દ્વારા કરવામાં આવશે. પેનલના સભ્યોમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) ના ચીફ બિઝનેસ ઓફિસર અને પ્રેસિડેન્ટ શિરીષ જોષી, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના પ્રોગ્રામ ડાયરેક્ટર અભિજીત સિંહા, અસ્તિત્વ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક અને નિયામક પંકજ મોલ, સ્ટેટ્સ એટ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસના એડિશનલ CEO અને ચીફ બાયર ઓફિસર વાય. કે. પાઠક અને ભારત સરકારના સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકાનો સમાવેશ થાય છે. આ સત્રમાં ઈ-કોમર્સ અને વેલ્યુ ચેઈન (ફોરવર્ડ અને બેકવર્ડ લિન્કેજ), ફિનટેક, MSME, સાહસિકો, FPCs, SHGs, નાના ખરીદદારો અને વિક્રેતાઓની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાસરૂટ ડાયનેમિક્સ, અમલીકરણ અને ઈ-કોમર્સની અસર અંગે ચર્ચા કરવામાં આવશે.
સેમિનારની વિગતો અંગે વાત કરતા મિલિંદ તોરાવણેએ જણાવ્યું કે સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક અર્થવ્યવસ્થાના પ્રગતિશીલ ડિજિટલાઇઝેશનથી ઊભી થતી તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે હિતધારકોને સક્ષમ કરવાનો, આપણા અર્થતંત્રના ભાગોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને ભારતીય બજારમાં સ્થાનિક ખેલાડીઓને ડિજિટલ અર્થતંત્રમાં પોતાને ટકાવી રાખવા માટે સક્ષમ બનાવવાનો તેમજ, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) અને ડ્રાફ્ટ ઈ-કોમર્સ પોલિસી જેવી પહેલો દ્વારા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને વેપારીઓની ભાગીદારીને વધારવાનો છે.