અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા પીપળી ધોલેરા હાઈવે પર ખૂબ ટ્રાફિક રહેતો હોય છે. અમદાવાદથી ભાવનગર પહોંચવા માટે શોર્ટ માર્ગ હોવાથી મોટાભાગના વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે. દરમિયાન ધોલેરા-અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલતું હોવાથી અમદાવાદ-ભાવનગર વાયા ધોલેરાનો હાઈવે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. હવે અમદાવાદથી ભાવનગર જતા અને આવતા વાહનોએ વાયા ધંધુકા, બરવાળા, વલ્લભીપુર હાઈવેનો ઉપયોગ કરવો પડશે. આ રાજ્યગોરી માર્ગ ઓછી પહોળાઈ ધરાવતો હોવાથી વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડશે. તેમજ ધંધુકા પાસે વર્ષોથી ચાલી રહેલા ઓવરબ્રિજના કામને લીધે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે આ હાઈવે પર વાહનો વધશે. એટલે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો પણ વધુ વધશે.
અમદાવાદથી ભાવનગર ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જો અમદાવાદથી ભાવનગર જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM (અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ) દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવાનું રહેશે.
અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર, હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યુઁ છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોના રુટ ડાયવર્ટ કરાયા છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જે મુજબ, હવેથી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે. આ હુકમ તા.14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને શોર્ટ રૂટ તરીકે ઓળખાતા રોડને નેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટના હેતુથી ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનો આ શોર્ટ રુટને બદલે ડાયવર્ઝન તરીકે ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. આ જાહેરનામું આજથી લઇને આગામી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે.
ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનો ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, પીપળી તેમજ ધંધુકા, ધોલેરા, ભડીયાદ, પીપળી તેમજ ધંધુકા, ફેદરા, પીપળી, વટામણ થઇને વડોદરા જઇ શકાશે. ધોલેરાથી બાવળીયારી તરીફના હાઇ-વે રોડ ઉપરના ગામડાઓના જે તે ગામડાઓના જ નાના વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઇને ભડિયાદ જઇ શકાશે. આ હૂકમ તા.14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારાને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ ફોજદારી શીક્ષા કરવામાં આવશે. આમ હવે 2023ના વર્ષના અંત સુધી ભાવનગરથી વાયા વલ્લભીપુર થઇને અમદાવાદ કે ભાવનગરની વડોદરા જવા માટે પણ વાયા વલ્લભીપુર થઇને મોટા વાહનોમાં જવાનું રહેશે.