ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં આઠમો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેને સ્ટેજની નીચે ડિનની જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ભાજપના ગારીયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણીને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાને નાના સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. જેને લઈ પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યનો વિવાદ રાજ્યપાલની સામે પણ જોવા મળ્યો હતો. વિભાવરી દવે કાર્યક્રમમાં આવી સ્ટેજ પર સ્થાન ન મળતા કાર્યક્રમમાં થોડીવાર બેસી ચાલતી પકડી હતી. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ પણ થોડી વારમાં ચાલતી પકડી હતી. જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે વચ્ચેનો આંતરિક વિવાદ ભાવનગરના મોટાભાગોના કાર્યક્રમમાં જોવા મળતો હોય છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે આજે આઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષાતામાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજવી પરિવારના યુવરાજ, કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર એમ.કે.બી.યુનિવર્સીટીમાં 14297 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતના કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખાના 39 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 40 વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી હતી.
રાજ્યપાલે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, યુવાઓના દેશ એવા ભારતનું ભવિષ્ય છે ત્યારે કમાણીની સાથે સાથે સૌપ્રથમ તેમના જીવન ઘડતરમાં મહત્વનો રોલ અદા કરનાર તેમના માતાપિતાની ખાસ કાળજી રાખે તેમજ સમાજ અને રાષ્ટ્ર ભાવના પોતાનામાં ઉજાગર કરી સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપે. આજના સમયમાં હવે પ્રાકૃતિક ખેતીનું મહત્વ જરૂરી બન્યું છે, ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળે જેથી અનેક બીમારીઓથી બચી શકાય.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રાસંગિત સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાવનગર યુનિવર્સિટીમાં આગામી શિક્ષણ સત્રથી કૃષિ કાયદાના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિકાસ માટે રાજ્ય સરકારે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે યુનિવર્સિટીમાં હું ભણ્યો એ યુ.નિમાં મને ડીગ્રી એનાયત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે મારા માટે અનહદ ગર્વની વાત છે. ભાવનગર મારામાં વસે છે અને હું ભાવેણામાં.
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના 14297 વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષીય ઉપસ્થિતિમાં પદવી એનાયત કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારા 39 વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક તેમજ 40 વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી) ની પદવી એનાયત કરવામાં આવી હતી.