અમરેલી: રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ અમરેલી કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2 C કાર્યક્રમ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના પાંચ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા. કાર્યક્રમમાં કુલ 11.27 કરોડ રૂપિયાના પાંચ એમ.ઓ.યુ થયા હતા. આ કાર્યક્રમના પ્રારંભે સાંસદ નારણભાઈ કાછડિયાએ કહ્યું કે, અમરેલી જિલ્લાના 11 તાલુકામાંથી 7 તાલુકામાં જી.આઈ.ડી.સી. કાર્યરત છે. લાઠી અને સાવરકુંડલામાં જી.આઈ.ડી.સી. મંજૂર થઈ ગઈ છે. જોકે, જંત્રીના દર ઉંચા હોવાથી વેપારીઓ પ્લોટ ખરીદી માટે આગળ આવ્યા નથી ત્યારે આ અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે. સાવરકુંડલાના ૩૦૦૦થી વધુ કાંટાના ઉદ્યોગકારોને જી.આઈ.ડી.સી.માં સ્થાન મળે તે માટે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અમરેલી જિલ્લાની મગફળીની પસંદગી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરી અને લાભ મેળવી શકે છે. ટેક્સ્ટાઈલ, ખનિજ અને જિનિંગ-સ્પિનિંગ ક્ષેત્રે અમરેલી જિલ્લાની આગવી ઓળખ છે ત્યારે અમરેલીને આગામી દિવસોમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્યદંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વાઇબ્રન્ટની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. અમરેલી જિલ્લો સોલાર/વિન્ડ ફાર્મ માટે સાનુકૂળતા ધરાવે છે ત્યારે આ ક્ષેત્રે રોજગારીની વિપૂલ તકો રહેલી છે. જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ-અમરેલી કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે અમરેલી જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.