અરવલ્લી: રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અરવલ્લી ’ કાર્યક્રમન સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના છ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા. કાર્યક્રમમાં કુલ રુ. 566 કરોડ રૂપિયાના 6 એમ.ઓ.યુ થયા હતા. કાર્યક્રમના પ્રારંભે માન. સાંસદ દિપસિંહ રાઠોડ જણાવ્યુ કે, કોલ્ડ સ્ટોરેજ, પ્રવાસન અને બટાકાના ઉત્પાદન, સ્ટોરેજ અને પ્રોસેસિંગ ક્ષેત્રે અરવલ્લી જિલ્લાની આગવી ઓળખ છે ત્યારે અરવલ્લીને આગામી દિવસોમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.
સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વાઇબ્રન્ટની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. અરવલ્લીમાં જિલ્લામાં આવનારા સમયમાં રેલ્વેની કેનેક્ટિવીટી ઝડપથી આકાર પામશે જેથી અરવલ્લી જીલ્લામાં રોકાણકારો આવવાથી રોજગારીની વિપૂલ તકો સર્જાશે. જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ-અરવલ્લી કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે અરવલ્લી જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.