ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર અને મુંબઈ ખાતે યોજાયેલા રોડ શોની ભવ્ય સફળતા બાદ, પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વ હેઠળ ચંદીગઢ ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના (GMDC) મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સેન્ટર ઓફ ઈકોનોમિક પોલીસી રીસર્ચના ચેરમેન અશ્વિની જોહર, ભારતીય પોલિમર ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર અમરબીર સિંઘ, સી.આઈ.આઈ. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ વિનોદ અગ્રવાલ તેમજ કમલેશ રાબડિયા સહિત ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ચંદીગઢના ભવ્ય રોડ-શો બાદ મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પ્રે એન્જીનીયરીંગ ડીવાઈસીસ લી.ના એમ.ડી. વિવેક વર્મા, વાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લી.ના એમ.ડી. વિજય કુમાર ગુપ્તા, રમાડા પ્લાઝાના પાર્ટનર જસપ્રીતસિંહ અરોરા, મોન્ટે કાર્લો ફેશન્સ લી.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંદીપ જૈન, હરટેક ઈન્ડિયા પ્રા.લી.ના ચીફ એમ.ડી. હરટેક સિંઘ, ઉષા યાર્ન લી.ના એમ.ડી. અનુરાગ ગુપ્તા, આઇ.ડી.એસ ઇન્ફોટેકના સી.એફ.ઓ દીપક મહાજન, ટાઈનોર ઓર્થોટિક્સ લી.ના ચીફ એમ.ડી. પી. જે. સિંહ, JREW એન્જીનીયરીંગ લી.ના એમ.ડી. રોહિત ગ્રોવર, અમરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ચીફ એમ.ડી. અરુણ ગ્રોવર જેવા ઉદ્યોગ જગતના મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક કરી હતી.
આ બેઠકો દરમિયાન ગુજરાત દેશના વિકાસના રોલ મોડલ તરીકે કેવી રીતે ઉભરી આવ્યું તેની વિગતવાર વાત કરતા મંત્રી બાવળિયાએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની છેલ્લા બે દાયકાની ભવ્ય સફળતા પણ વર્ણવી હતી. આ સાથે જ મંત્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને રોકાણ માટે સૌથી પહેલી પસંદગીનું સ્થળ બનાવ્યું છે અને સાથે જ સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર પણ
બનાવ્યું છે.
મંત્રી બાવળિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે જી-20ની અધ્યક્ષતા સફળતાપૂર્વક પૂર્ણ કરી, ભારતને વૈશ્વિક સ્તરે નવી ઉંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં “વન અર્થ, વન ફેમેલી, વન ફ્યુચર”ની થીમ સાથે પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું. અદભૂત સંજોગની વાત તો એ છે કે, ભારતે જી-20ની અધ્યક્ષતા કરી તેની થીમ પણ આ જ હતી. આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના રોકાણકારો અને વિચારશીલ નેતાઓને એક પ્લેટફોર્મ પર લાવ્યા અને નવા વિચારો તેમજ નવા માર્ગો શોધી સાથે કામ કરી આગળ વધવાની નવી તકો પણ પૂરી પાડી છે.