વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ કચ્છમાં અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરાશે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જાહેરાત
અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ‘ગ્રીન એનર્જી પાર્ક’નું નિર્માણનો સમાવેશ થાય છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધિત કરતી વખતે ગૌતમ અદાણીએ કહ્યું કે, આ સમિટને સંબોધિત કરવું મારા માટે સન્માનની વાત છે. મને ખૂબ ગર્વ છે કે મને આ સમિટની તમામ આવૃત્તિઓનો ભાગ બનવાની તક મળી છે. વાઇબ્રન્ટ ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસાધારણ દ્રષ્ટિની અભિવ્યક્તિ છે. આનાથી દેશવ્યાપી ચળવળ શરૂ થઈ, જેના કારણે દરેક રાજ્ય એકબીજાના સહયોગથી આગળ વધી રહ્યા છે.
અદાણીએ જણાવ્યું હતું કે છેલ્લો દાયકો ઘણો સારો રહ્યો છે. 2014 થી, ભારતની જીડીપી 185 ટકા વધી છે, જ્યારે માથાદીઠ આવકમાં 165 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, આ દાયકામાં ઉભરી આવેલા ભૌગોલિક રાજકીય અને રોગચાળા જેવા પડકારોને ધ્યાનમાં રાખીને આ સિદ્ધિ ખૂબ જ ઉત્તમ છે. તેમણે ભારતમાં થઈ રહેલા આર્થિક વિકાસ માટે સરકારની પ્રશંસા કરી છે.
ગૌતમ અદાણીએ લોકોને સંબોધતા કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર વડાપ્રધાન મોદીની સિદ્ધિ અદ્દભુત છે. પીએમ મોદીએ ભારતને વૈશ્વિક મંચો ઉપર અવાજ ઉઠાવનાર દેશોમાંથી એક દેશ તરીકે સ્થાપિત કર્યો છે, અને તે દેશ હવે વૈશ્વિક પ્લેટફોર્મ બનાવે છે. તેમણે કહ્યું કે, ભારતે G20ની અધ્યક્ષતામાં સોલર એલાયન્સ પ્લેટફોર્મ બનાવ્યું, જેણે એક નવી વિશ્વ વ્યવસ્થા સ્થાપિત કરી છે.
ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં ગૌતમ અદાણીએ રાજ્યમાં થયેલા રોકાણોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લી વખત સમિટમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાંથી અદાણી ગ્રૂપે ગુજરાતમાં રૂ. 50 હજાર કરોડનું રોકાણ કર્યું છે. અદાણીએ કહ્યું કે, અમે હવે કચ્છમાં 725 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા ધરાવતો ગ્રીન એનર્જી પાર્ક બનાવીશું, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે.