Site icon Revoi.in

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ પ્રથમ વખત મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ સુશ્રી મમતા વર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આગામી 10-12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ યોજાઇ રહી છે. આ વખતે પહેલી વાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટના સ્થળ પર લોકો અને વાહનોની અવરજવર સરળ બનાવવા માટે આ વખતે એક નવો ગેટ ઉમેરવામાં આવ્યો છે, અને આ સાથે કુલ 8 ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસાધનોની સરળ અવરજવર માટે RFID વેરિફિકેશન પોઈન્ટ, હેલ્પ ડેસ્ક, સાઇનબોર્ડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલી વાર, પ્રતિષ્ઠિત સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે બે સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. આ વખતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના લાઉન્જની સાથે 34 કન્ટ્રી લાઉન્જ પણ ઊભા કરવામાં આવ્યા છે.

સમિટની સમાંતર યોજાનારી B2G અને B2B મીટિંગો માટે લાઉન્જ અને મીટિંગ રૂમ સહિત વિશાળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના 40થી વધુ વિભાગો આ મીટિંગમાં ભાગ લેવાના છે. અત્યાર સુધીમાં B2G અને B2B મીટ માટે 2500થી વધુ મીટિંગ નોંધવામાં આવી છે. આ 3 દિવસીય સમિટ દરમિયાન કુલ 50 સેમિનારો (21 થીમ આધારિત વિભાગીય સેમિનાર અને 29 સ્ટેટ/ કન્ટ્રી સેમિનાર) માટે કુલ 12 સેમિનાર હોલ (4 કાયમી અને 8 કામચલાઉ) ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં કામચલાઉ સેમિનાર હોલની ક્ષમતા જરૂરિયાત અનુસાર 100, 150 અને 250 માણસોની છે.

એમ્ફિથિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે નેચરલ ડાઇ લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાર્યક્રમના સ્થળ પર વિવિધ જગ્યાઓએ ઇલ્યુમિનેશન આર્ટવર્ક એટલે કે રોશનીયુક્ત કલાકૃતિઓ મૂકવામાં આવી છે. સમિટમાં ઉપસ્થિત મહેમાનોને શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરી શકાય તે માટે ભોજન માટેની વિશાળ અને મોકળાશવાળી જગ્યા અને મોટા તેમજ અલગ-અલગ ડાઇનિંગ વિસ્તારો વિકસિત કરવામાં આવ્યા છે. આ સાથે જ વાયબ્રન્ટ ગુજરાત સમિટના મુલાકાતીઓની સુવિધા માટે હેલ્પ ડેસ્ક, બુક સ્ટોલ્સ વગેરે ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ પ્રેસ બ્રીફીંગ રૂમ અને મીડિયા લાઉન્જ પણ વિકસિત કરવામાં આવેલ છે.

સમિટ માટેનું સ્થળ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, જેથી 18,000થી વધુ પ્રતિનિધિઓનો સમાવેશ થઇ શકે. આ ઉપરાંત, સમિટના દિવસો દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરી શકાય, તે માટે પણ સ્થળ પર તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરતા 23 વેલકમ આર્ચીઝ, સેલ્ફી પોઇન્ટ તરીકે કચ્છના મિરર મડ પેનલ્સ લગાવવામાં આવ્યા છે. સાથે જ, પટોળા પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી વગેરે પ્રદર્શિત કરતા પ્રિન્ટિંગ કેન્વાસને વોલ પેનલ્સ તરીકે લગાવવામાં આવ્યા છે. ગોલ્ડ ટનલ ખાતે કચ્છનું રોગન આર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે જ, કચ્છ અને ગામઠી ક્રિએટિવ બ્લોક પ્રિન્ટ પેનલ્સ પણ લગાવવામાં આવી છે.

આ સાથે જ, વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારેલા મહેમાનો ગુજરાતની હસ્તકલાની વસ્તુઓ ખરીદી શકે તે માટે ગુજરાત ક્રાફ્ટ અને હેન્ડલૂમ ડિસ્પ્લે સ્ટોલ્સ પણ કાર્યક્રમ સ્થળ પર ઊભા કરવામાં આવ્યા છે. મહેમાનોની સુવિધા માટે કાર્યક્રમના સ્થળે યોગ્ય સેનિટેશન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટેના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.