Site icon Revoi.in

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોનું આયોજન

Social Share

અમદાવાદઃ જાન્યુઆરી-2024માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. 11મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરાયો છે. જેમાં પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની ૧૨ જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિશ્રીઓ સાથે મુખ્યમંત્રી વન ટુ વન બેઠક કરશે. જ્યારે બીજા ભાગમાં 500થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તથા મુંબઈ સ્થિત કોનસોલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સ સાથે મળીને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રી દ્વારા તમામ ઉદ્યોગપતિઓ તથા ડિપ્લોમેટ્સને ગુજરાત ખાતે આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. એટલું જ નહિ, ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે તેમ ગુપ્તાએ ઉમેર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાતના મુદ્દે દિલ્હી ગયા હતા. જ્યાં તેમણે વિવિધ ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત વિવિધ દેશના ડેલિગેટ્સની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓ અને ડેલિગેટ્સને વાઈબ્રન્ડ ગુજરાતમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.

(Photo – File)