અમદાવાદ, 12 જાન્યુઆરી, 2024: શુક્રવારના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની 10મી આવૃત્તિના સમાપન સત્રમાં ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન ઈમેરિટસ શ્રી સુધીર મહેતાએ બિઝનેસ, શિક્ષણ અને નિતી નિર્માણ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલ જાણીતી હસ્તીઓની હાજરીમાં સંબોધન કર્યુ. પોતાના સંબોધનમાં શ્રી સુધીર મહેતાએ ગતિશીલ નીતિઓ દ્વારા રોકાણકારોને આકર્ષવા માટે બિઝનેસ કરવાની સરળતાને સંસ્થાકીય બનાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી હતી.
શ્રી સુધીર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલાં જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 1લી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી હતી ત્યારે ઘણા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુજરાતમાં તેમને કેવા પ્રકારની સુવિધા અને સમર્થન મળશે તે અંગે શંકા હતી. ત્યારથી લઈને આજ સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટે ઘણી મોટી સફર પાર કરી છે અને છેલ્લા 20 વર્ષોમાં આ સમિટ અને સમિટ બાદ રાજ્ય સરકાર તરફથી ઉદ્યોગોને મળેલા અદ્ભુત સમર્થનને કારણે આજે ગુજરાતે ભારતના ગ્રોથ એન્જિન તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી લીધુ છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ની 10મી આવૃત્તિનું સમાપન સત્ર આજે માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય કેન્દ્રીય અને રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહ્યા હતા. શ્રી મહેતાએ વૈશ્વિક બિઝનેસ કેલેન્ડરના એક પ્રમુખ કાર્યક્રમ બની ચુકેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભાગ બનવા બદલ અને તેની પ્રથમ આવૃત્તિથી લઈને વર્તમાન આવૃત્તિ સુધીના વિકાસના સાક્ષી બનવા બદલ ખૂબ જ ગર્વની લાગણી વ્યક્તિ કરી હતી.
ટોરેન્ટ ગ્રુપ તરફથી ગુજરાતમાં પ્રસ્તાવિત રોકાણો અંગે જાહેરાત કરતા શ્રી મહેતાએ જણાવ્યું હતું કે, “મને એ જણાવતા આનંદ થાય છે કે ટોરેન્ટ ગ્રૂપ ફાર્માસ્યુટિકલ્સ, વિજળીના ઉત્પાદન, વિજળીના વિતરણ અને ગેસ વિતરણના ક્ષેત્રોમાં ગુજરાતના સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. ટોરેન્ટ ગ્રુપ સમગ્ર દેશમાં અનેક રાજ્યોમાં પોતાની હાજરી ધરાવે છે અને અમારા અનુભવના આધારે હું ખાતરી પુર્વક કહું છું કે ગુજરાત દેશમાં રોકાણ માટેનું શ્રેષ્ઠ વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે. શ્રી મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે “અમારી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને અનુરૂપ ગુજરાતમાં કામ કરવાના અમારા સકારાત્મક અનુભવથી પ્રભાવીત થઈને આજે એ જાહેરાત કરતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું કે ટોરેન્ટ ગ્રુપે વાઇબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન કુલ 4 MOU પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત કુલ રૂપિયા 47,350 કરોડનું રોકાણ કરવામાં આવશે.
આ MOU થકી ગુજરાતમાં 26,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓની નવી તકો ઉભી થશે તેવી અમને અપેક્ષા છે. ટોરેન્ટ ગ્રૂપની પેટા કંપની ટોરેન્ટ પાવરે ગુજરાત સરકાર સાથે રિન્યુએબલ જનરેશન, પંપ સ્ટોરેજ હાઈડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન અને વિજળી વિતરણના ક્ષેત્રોમાં ચાર બિન-બંધનકર્તા મેમોરેન્ડમ્સ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટની વિગતો નીચે મુજબ છે:
- પ્રથમ MOU માં 3,450 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ્સ અને 1,045 મેગાવોટના હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપનાનો સમાવેશ થાય છે. જેના માટે રૂપિયા 30,650 કરોડના પ્રસ્તાવિત રોકાણનો સમાવેશ થાય છે.
- બીજા MOU માં બનાસકાંઠા જિલ્લામાં 7,000 મેગાવોટની ક્ષમતા વાળા સોલાર પાર્કના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂપિયા 4,500 કરોડના પ્રસ્તાવિત રોકાણનો સમાવેશ થાય છે.
- ત્રીજો MOU માં 100 KTPA ની ક્ષમતા વાળા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન વાળા પ્રોજેક્ટ માટે રૂપિયા 7,200 કરોડનું રોકાણ કરવામાં આવશે.
- ચોથો MOU અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને માંડલ બેચરાજી SIR (MBSIR) શહેરોમાં ટોરેન્ટ પાવરની વિતરણ વ્યવસ્થા ઉભી કરવા/વિસ્તારવા માટે રૂપિયા 5,000 કરોડના રોકાણને લગતો છે.