અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. શાલા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે આગામી તા. 1લીમેના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા સરકાર વિચારણા કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે ચાલુ વર્ષમાં છઠ્ઠી જાન્યુઆરીએ કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો, જોકે, હવે ફરી તેનું આયોજન કરવાનું પ્લાનિંગ શરુ થઈ ગયું છે. હવે વાઈબ્રન્ટ સમિટ ગુજરાતના સ્થાપના દિવસ પર યોજાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. એટલે કે વાઈબ્રન્ટ સમિટ 2022નું આયોજન 1 અને 2 મેના રોજ કરવામાં આવશે. આ વિશાળ આયોજનના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. પરંતુ હજુ સુધી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, કાર્યક્રમને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા પછી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી 31 દરમિયાન મળશે અને આ પછી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાશે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલની સરકારનું પહેલું અને અંતિમ બજેટ રજૂ થવાનું છે. આ બજેટનું કુલ સંભવિત કદ 2.40 લાખ કરોડ રૂપિયાાની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ ચૂંટણી છે ત્યારે બજેટને લઈને સરકાર મહત્વના મુદ્દા સમાવવા માટે પ્રયાસ કરશે તો વિરોધ પક્ષ સરકારની કોઈ ચૂક થાય તેના પર મીડ માંડીને મુદ્દો ઉઠાવવા તૈયાર રહેશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પહેલા જ 11-12 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર આવતા કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો હતો. હવે મોકૂફ રખાયેલા સમિટનું આયોજન 1-2 મેના રોજ કરવામાં આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અલગ-અલગ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવે છે. જેમાં રોકાણ કારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવામાં આવે છે.