વાયબ્રન્ટ ગુજરાતથી ગાંમડા બન્યા આત્મ નિર્ભર, સાણંદના 4 ગામોની વેરાની આવક 1 કરોડથી વધુ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાતના દસમા સંસ્કરણના આયોજન તરફ અગ્રેસર છે. 20 વર્ષ પહેલા વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના પરિણામે, ગુજરાત આજે એક ઔદ્યોગિક હબ બનીને ઊભું છે. છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના લીધે, આજે ગુજરાતના ગામડાઓ સુધી આર્થિક સુખાકારી પહોંચી છે. અમદાવાદના સાણંદ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં વિશ્વની જાણીતી કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા છે અને તેના પરિણામે, આસપાસના ગામડાઓમાં વસતા લોકોના જીવનમાં, આર્થિક અને સમાજિક ઉત્થાનનો નવો અધ્યાય શરૂ થયો છે.
સાણંદ-2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા આસપાસના 4 ગામોની 2003 હેક્ટર જમીનને સંપાદિત કરવામાં આવી હતી. તેમાં બોળ, હીરાપુર, શિયાવાડા અને ચરલ ગામનો સમાવેશ થાય છે. અહીં કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા બાદ, ગ્રામ પંચાયતને વ્યવસાય વેરાની આવક શરૂ થઇ છે. વર્ષ 2012-13 થી 2021-22 સુધીના સમયગાળામાં સૌથી વધુ બોળ ગામને ₹ 13 કરોડથી વધુનો વેરો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ હીરાપુર (₹ 3.95 કરોડ), ચરલ (₹ 1.97 કરોડ) અને શિયાવાડાને ₹ 1.31 કરોડનો વ્યવસાય વેરાની આવક થઇ છે.
વર્ષ 2012-13માં આ ચાર ગામડાઓમાં વ્યવસાય વેરાની આવક શૂન્ય હતી. જે વર્ષ 2021-22માં સમયાંતરે વધતાં એક કરોડથી વધુ પહોંચી છે. વર્ષ 2021માં બોળ ગામની આવક ₹ 2.4 કરોડ, હીરાપુર (₹ 93.25 લાખ), ચરલ (₹ 29.45 લાખ) અને શિયાવાડાની આવક ₹ 35.26 લાખ થઇ છે.
સાણંદથી 15 કિમી દૂર છારોડીમાં GIDCના લીધે, છારોડી ગ્રામ પંચાયતની આવક પણ દસ વર્ષમાં બમણી થઇ છે. વર્ષ 2012-13માં, છારોડી પંચાયતને વ્યવસાય વેરાની ₹ 52.38 લાખની આવક થઇ હતી, જે વર્ષ 2021-22માં વધીને ₹ 1.35 કરોડ થઇ ગઇ છે. 2012-13થી 2021-22 સુધીમાં, છારોડી પંચાયતને ₹ 15.54 કરોડની વ્યવસાય વેરાની આવક થઇ છે.
ઔદ્યોગિક એકમોના આગમનથી ગ્રામજનોના જીવનમાં આવેલા પરિવર્તન વિશે બોળ ગામના સરપંચ નરેન્દ્રસિંહ બારડે જણાવ્યું કે હવે આ ગામમાં ઘણા લોકો ટેક્સપેયર બની ગયા છે. ગામમાં સામાજિક અને આર્થિક સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને ઘણા લોકોએ અલગ અલગ વ્યવસાયો શરૂ કર્યા છે, જેનાથી તેમના જીવનમાં 360 ડિગ્રી પરિવર્તન આવ્યું છે. આસપાસના ગામડાઓમાં પણ તેનો પ્રભાવ જોવા મળ્યો છે અને અમારા જીવનમાં આવેલા આ પરિવર્તન માટે અને નરેન્દ્ર મોદી સાહેબનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.