ઔદ્યોગિક વિકાસના વૈશ્વિક ચિંતનનું પર્વ વાયબ્રન્ટ ગુજરાત સમીટ બની છે: ઉદ્યોગમંત્રી બલવિંતસિંહ રાજપૂત
મહેસાણા: દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023 ના ભાગ રૂપે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત મહેસાણા ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ મહેસાણા કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરતા રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, દેશ અને રાજ્યના ઔદ્યોગિક વિકાસના વૈશ્વિક ચિંતનનું પર્વ વાયબ્રન્ટ ગુજરાત સમીટ બની છે. ગુજરાત રાજ્ય ભારતના વૈશ્વિક વિકાસનું મોડેલ સ્ટેટ બન્યું છે. એટલું જ નહિ ગુજરાતના વિકાસ મોડેલથી અન્ય રાજ્યોએ પ્રેરણા મેળવી છે.
ઉદ્યોગમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમીટની બે દાયકાની સફરને કારણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી છે, ત્યારે આગામી વાયબ્રન્ટ સમીટના દશમા ચરણમાં સ્થાનિક કૌશલ્યને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે પ્રત્યેક જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના ધ્યેયને સાકાર કરવા માટે નવું બળ મળશે.
મહેસાણા ખાતે ગુજરાત:વિકસિત@ભારત 2047 તરફ અગ્રેસરની થીમ સાથે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ મહેસાણા કાર્યક્રમ અંતર્ગત વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડેક્ટ આધારિત એક્ઝીબીશન,ક્રેડીટ લિંકેજ સેમીનાર,એક્ષપોર્ટ અંગે સેમીનાર સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ઉદબોધન કરતાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાત આજે વિકાસક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. ઉત્પાદનક્ષેત્રે 18 ટકાના સહયોગ સાથે ગુજરાતનો દેશભરમાં નિકાસ ક્ષેત્રે 33 ટકાનો ફાળો છે. ગુજરાતનો જી.ડી.પીમાં 8.4 ટકાનો ફાળો છે.
દેશભરમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ રાજ્ય છે તેમણે જણાવ્યું હતું કે વિશ્વની પાંચમા નંબરની ઇકોનોમી બનનારો ભારત દેશ નંબર વન બનવા આગળ વધી રહ્યો છે. જેમાં ગુજરાતનો સહયોગ દેશભરમાં અગ્રેસર છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત એક એવુ રાજ્ય છે જ્યાં ઉદ્યોગની શરૂઆત કરવા માટે પૂરતા પ્રોત્સાહનો મળે છે. આઝાદીના શતાબ્દી વર્ષે શ્રેષ્ઠ ભારત,આત્મ નિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવા સામુહિક ચિંતન કરવું પડશે.
તેમણે યુવાનોમાં કૌશલ્ય નિર્માણ અને ઉદ્યોગોની આવશ્યકતા અનુસાર અભ્યાસક્રમોની હિમાયત પણ કરી હતી, ઉદ્યોગમંત્રીએ વિશ્વના માર્કેટમાં ગુજરાતનું માર્કેટ મજબૂત બને અને ભારતના શ્રેષ્ઠ વિકાસમાં ગુજરાત અને મહેસાણા જિલ્લાનું યોગદાન શિરમોર બને તે માટે સૌને પૂરૂષાર્થ કરવા અનુંરોધ પણ કર્યો હતો.