વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી: અંદાજિત 40 કરોડના 15 જેટલા MOU થયા
તાપી : વ્યારાના ટાઉન હોલ ખાતેથી ”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી” કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને અનુલક્ષીને તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટની શરૂઆત જિલ્લા કક્ષાએ કરી છે, ત્યારે તાપી જિલ્લાથી આ કાર્યક્રમની શરૂઆત થતા એ આપણા સૌ માટે ગર્વની બાબત છે.
સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ મોટેપાયે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થયુ છે. ભવિષ્યમાં નિર્માણ પામનાર સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફોર લેન હાઇવે જેવી બાબતોથી તાપી જિલ્લાના વિકાસમાં વધારો થશે. તાપી જિલ્લો તમામ ક્ષેત્રે આગળ છે, ત્યારે આ કાર્યક્રમમાં 40 કરોડના 15 જેટલા એમઓયુ થયા છે. તાપી જિલ્લામાં વિવિધ નાની મોટી કંપનીઓ છે. જેમાં અનેક સ્થાનિક લોકોને રોજગારી મળી રહે છે. તાપી જિલ્લામાં ઉદ્યોગો માટે ખુબ સારો સ્કોપ છે, એમ જણાવી જે.કે પેપર મીલ સહિત વિવિધ કંપનીઓને તાપી જિલ્લામાં પ્લાન્ટ સ્થાપવા માટે આહવાન કર્યું હતું.
કલેકટર વી.એન.શાહે જણાવ્યું હતુ કે તત્કાલિન મુખ્ય મંત્રી મોદીએ 2003થી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની મુહિમ શરૂ કરી હતી. જેની સફળતાની દેશ અને દુનિયાએ નોંધ લેતા આજે 20 વર્ષની સફળતા બાદ, તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમણે આપણા જિલ્લામાં રહેલ અનેક રોજગારીની તકોને નાગરિકો ઓળખે અને વિકાસની ધારામાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.
નોંધનિય છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ‘ ના ભાગરૂપે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટ કાર્યકમો યોજાશે. જેને અનુલક્ષીને તા.2 થી 12 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લાઓમાં આ કાર્યક્રમના ભાગ રૂપે આંત્રપ્રિનિયોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.