અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાધન નવરાત્રીની ઉજવણી કરવા માટે થનગની રહ્યાં છે. બે વર્ષથી કોરોના મહામારીને પગલે નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરી શકાઈ ન હતી. જો કે, ચાલુ વર્ષે ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. બે વર્ષથી નવરાત્રિમાં મા અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવરાત્રિ અંગે જાહેરાત કરશે.
નવરાત્રિને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે. આ વખતે નવરાત્રિનું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.