અમદાવાદઃ ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી યોજાનારી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન સહિત દેશ-વિદેશના મહાનુભાવો આવવાના હોવાથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો જમાવડો જોવા મળશે. હાલ એરપોર્ટના પાર્કિંગમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. દરમિયાન નિયમિત ઉડાન કરતી ફ્લાઈટ્સના ભાડાંમાં પણ વાયબ્રન્ટની મેગા ઈવેન્ટને લીધે તાંતિગ વધારો થયો છે. દિલ્હી, મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઇટના એરફેર વધીને રૂપિયા 20 હજાર જેટલા થઇ ગયા છે.
અમદાવાદથી દિલ્હી, મુંબઇ જતી ફ્લાઇટના એરફેર સામાન્ય રીતે વધારે જોવા મળતો હોય છે. પરંતુ વાઇબ્રન્ટ સમિટને પગલે વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હી-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 4100ની આસપાસ હોય છે. પરંતુ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો છે તેના અગાઉના દિવસે દિલ્હી-અમદાવાદનું મહત્તમ વન-વે એરફેર રૂપિયા 13 હજાર થઇ ગયું છે. આ જ રીતે મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર વધીને રૂપિયા 20500 છે. સામાન્ય રીતે આ એરફેર રૂપિયા 2500થી રૂપિયા 3 હજાર જેટલું હોય છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન માંધાતા ઉદ્યોગપતિઓ તેમજ નાના-મોટા બિઝનેસમેન પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. જેના કારણે એરફેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મુંબઇ, દિલ્હી ઉપરાંત બેંગાલુરુ, ચેન્નાઇ, હૈદરાબાદથી પણ અનેક બિઝનેસ હાઉસના પ્રતિનિધિઓ-બિઝનેસમેન વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર દેશ વિદેશના 150થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટોની અવરજવરથી વ્યસ્ત રહેશે. હાલમાં ચાર્ટર્ડ વિમાનોના પાર્કિંગ માટે ઇન્કવાયરીઓ પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં ચેક રિપબ્લિકના વડા પ્રધાન પેટર ફિયાલા સાથે 33 લોકોનું ડેલિગેશન તેમના એરફોર્સના વિમાનમાં નવમીએ બપોરે 4.00 વાગે આવી પહોંચશે. જ્યારે સાઉદી અરેબિયાના રોકાણ મંત્રી ખાલિદ એ. અલ-ફલિહ 10મીએ સવારે 9.35 કલાકે આવી પહોંચશે. જ્યારે પુણેની ઇમર્સન કંપનીના સીઇઓ સુરેન્દ્ર લાલ કરસનભાઈ સહિત ચાર પ્રતિનિધીઓ આવશે. સમિટને લઇ એરપોર્ટ પર એક દિવસમાં શેડયુલ-નોન શેડયુલની 400 ફલાઇટોની અવરજવરનો પણ રેકોર્ડ નોંધાશે.
વાઇબ્રન્ટના ત્રણ દિવસ દરમિયાન એરપોર્ટ પર વીઆઇપીઓનો ધમધમાટ રહેશે. રિલાયન્સ, અદાણી, મહિન્દ્રા , એમઆરએફ, એલ એન્ડ ટી સહિતના ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. ડોમેસ્ટિક ફલાઇટોની સાથે ચાર્ટર્ડ વિમાનોની આવનજાવનથી એર ટ્રાફિક સર્જાશે.