ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો થાય તે માટે ગાંધીનગર ખાતે જાન્યુઆરી-22માં વાયબ્રન્ટ સમિટ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કોરોના નિયંત્રણો છતાં અનેક દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમને એરપોર્ટથી મહાત્મા મંદિર અને તેમની હોટેલ સુધી આવવા જવા માટે મર્સીડીઝ, ઓડી, બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કાર ભાડે લેવામાં આવશે. આ માટે એજન્સી નક્કી કરવા ઇન્ડેક્ષ્ટ-બી દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં આગામી તા, 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઘણાબધા ટોચના બિઝસનેસમેનોના કન્ફર્મેશન મળી ગયા છે, અને તેમની સરભરા માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. વિદેશી મહેમાનો માટે મર્સીડીઝ ઇ ક્લાસ, એસ ક્લાસ, સી ક્લાસ, બીએમડબલ્યુ 7 સિરીઝ, ઓડી 8 સિરીઝ જેવી કાર ભાડે રખાશે જ્યારે અન્ય વીવીઆઇપી માટે ટોયોટા કોરોલા, હોન્ડા સિવીકથી લઇને ઇનોવા અને ઇનોવા ક્રીસ્ટા જેવી કાર ભાડેથી લેવાશે, જ્યારે અધિકારીઓ માટે સ્વીફ્ટ ડીઝાયર અને તેના જેવી અન્ય સેડાન કાર રાખવામાં આવશે. કોરોના ગાઇડલાઇનને ધ્યાને લઇને તમામ ડ્રાઇવરો અને એજન્સીના ટીમ મેમ્બરો માટે વેક્સીનના બંને ડોઝ ફરજિયાત છે. તમામ કારમાં સેનીટાઇઝરની બોટલ રાખવી પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. દેશ-વિદેશના મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગરની ફાઈવસ્ટારથી લઈને ફોરસ્ટાર સુધીની હોટલોનું બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. મહેમાનોને કોઈ તકલીફ ન પડે તે માટે દેખરેખ રાખવા ખાસ અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવશે.