Site icon Revoi.in

ગુજરાતમાં જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ સમિટ ચાર ઝોનમાં યોજાશે, 127 કરોડનું બજેટ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાકાળને લીધે છેલ્લા ચાર વર્ષથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરી શકાયું નહતું. હવે જાન્યુઆરી 2024 દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરીને દેશ-વિદેશોના મુડી રોકાણો માટેના પ્રયાસો કરવામાં આવશે. ગુજરાતમાં ઔદ્યગિક સહિતના તમામ ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવાના આશયથી દુનિયાના દેશોના રાજદ્વારીઓની હાજરીમાં યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમીટ હવે 10થી 12મી જાન્યુઆરી 2024માં યોજાય તેવી શક્યતા છે. રાજય સરકારે આયોજનની તૈયારીઓ આરંભી છે. આ વખતે પ્રથમ જ વાર એકલા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં જ યોજવાને બદલે આ સમીટ રાજયના ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ જેવા ચારેય ઝોનમાં યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત વાઈબ્રન્ટ સમિટ માટેની તારીખ હજુ નકકી થઈ નથી પરંતુ સમીટમાં વડાપ્રધાનનું અધ્યક્ષ સ્થાન રહે તે માટે ગુજરાત સરકારે વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક સાધીને વડાપ્રધાનની ઉપસ્થિતિ માટેની અનુકુળ તારીખ માંગી છે. જે કન્ફર્મ થયા બાદ જ સમીટ કયારે યોજાશે તે જાહેર કરાશે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકારે રૂા.127 કરોડનું બજેટ નકકી કર્યું છે. કેન્દ્રના અધિકારીઓ સાથે પણ ઈવેન્ટના આકાર અંગેના તેમના ઈનપુટસ માટે મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી રહી છે. બિઝનેસ-ટુ-બિઝનેસ મીટીંગ્સનું નિયમિત ફોર્મેટ, દેશો વચ્ચે સેમિનારો અને ચર્ચાઓનું આયોજન કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, છેલ્લે 18,19,20 જાન્યુઆરી 2019માં 9મી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમીટ યોજાઈ હતી. ત્યારબાદ કોરોનાને લીધે જાન્યુઆરી 2021માં સમીટ યોજી શકાઈ ન હતી. આ સમીટ જાન્યુઆરી 2022માં પણ યોજવાનું વિચારાયું હતું પરંતુ કોરોના ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધ જેવા કારણોસર તે પણ રદ કરાઈ હતી. હવે પાંચ વર્ષ બાદ જાન્યુઆરી 2024માં 10મી સમીટ યોજાશે. કયારે યોજાશે તે તારીખ અને કાર્યક્રમ વડાપ્રધાન કાર્યાલયના સંપર્ક સાથે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાશે. 7 ઓકટોબર-2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા બાદ રાજયમાં તમામ ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવાના હેતુસર સપ્ટેમ્બર 2003થી દર બે વર્ષે યોજાય તે રીતે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ યોજવાનો પ્રારંભ કરાયો હતો.