વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો ટ્રાફિકમાં ફસાય નહીં તે માટે ટ્રાફિક પોલીસે રોડમેપ તૈયાર કર્યો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઈ રહી છે. સરકાર અને અધિકારીઓ કામગીરીમાં જોતરાઇ ગયા છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામા ડેલીગેશન આવતા હોય છે. આ દરમિયાન એરપોર્ટ ઉપર પણ મોટા પ્રમાણમા ટ્રાફિક જોવા મળતો હોય છે. ત્યારે એરપોર્ટ તરફથી અને એસજી હાઇવે ઉપરથી આવતા જુદા જુદા દેશોના પ્રતિનિધિ મંડળો સીધા જ મહાત્મા મંદિર અડચણ વિના પહોંચે તે માટે હાલમાં જ્યા રોડ પહોંળા કરવાની કામગીરી ચાલે છે, તે જગ્યાઓને પહોળી કરવામાં આવશે. આ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં દેશ-વિદેશના ઉદ્યોગજગતના માધાતાઓ અને પ્રતિનિધિ મંડળો ઉપસ્થિત રહેશે. વાઇબ્રન્ટ સમિટ માટે સરકાર દ્વારા ઘૂમ તૈયારીઓ ચાલી રહી છે. દેશ અને વિદેશમાંથી આવતા ડેલીગેશનને કોઇ સમસ્યાનો સામનો કરવો ના પડે તેની અત્યારથી સમિક્ષા કરાઇ રહી છે. ત્યારે વિદેશી મહેમાનો હવાઇ માર્ગે પાટનગર આવશે. ત્યારબાદ એરપોર્ટથી સીધા મહાત્મા મંદિર પહોચશે. તે ઉપરાંત એસજી હાઇવે ઉપર આવેલી હોટલમાં રોકાણ કરતા હોય છે, ત્યારબાદ ત્યાંથી મહાત્મા મંદિર રોડ માર્ગે આવતા હોય છે. ત્યારે આ બંને રોડ ઉપર હાલમા કામગીરી ચાલી રહી છે. ત્યારે કામગીરી વહેવા આટોપી લેવાની તેમજ મહેમાનો ટ્રાફિકમાં ન ફસાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
એસજી હાઇવે ઉપર અદાણી શાંતિગ્રામ પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે. જ્યારે એરપોર્ટથી ઇન્દીરાબ્રિજ કોબા થઇને ચ માર્ગે રોડ ઉપર એપોલો સર્કલ અને શાહપુર સર્કલ ઉપર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરી દમિયાન વિદેશી મહેમાનોને અકસ્માત કે અન્ય ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ના પડે તે માટે ટ્રાફિક પોલીસ કમરકસી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યાં કામગીરી ચાલી રહી છે. તે જગ્યાની સાઇડમાં રોડ પહોંળો કરવાનો આદેશ કરાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની જગ્યાઓને નક્કી કરાઈ રહી છે. જ્યાં નિયમિત રીતે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય તેવી જગ્યાને પણ નક્કી કરાઈ રહી છે અને આ બાબતે હાઇવે ઓથોરિટી અને આરએન્ડબી વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામા આવી રહી છે. પાટનગરમાં વાઇબ્રન્ટ ની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે આ સમિટમાં આવનારા વિદેશી મહેમાનોની આગતા સ્વાગતા માટે જે અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમને તે અંગેની તમામ તૈયારીઓમાં કોઈ કચાશ રહી ન જાય તે માટે સતત મોનીટરીંગ કરાઈ રહ્યુ છે અને સમિટ સફળ થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.
(PHOTO-FILE)