ગુજરાતમાં જાન્યુઆરી-2024માં વાયબ્રન્ટ સમિટ યોજાશે, રોકાણો મેળવવા વિદેશોમાં રોડ શો કરાશે
અમદાવાદ: ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન નવા અનેક રોકાણો થયા છે. તેના લીધે રોજગારી પણ વધી છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ રોકાણ કરવા માટે ગુજરાત તરફ આકર્ષાય તે માટે દર બે-ત્રણ વર્ષે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના કાળને કારણે છેલ્લા 5 વર્ષથી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરી શકાયું નહતું. પાંચ વર્ષના લાંબાગાળા બાદ હવે આગામી વર્ષે રાજયમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેટર્સ સમીટ યોજાશે. વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરી 11-13-2024 દરમિયાન યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેટર્સ સમીટ માટે વર્ષ પહેલાથી જ તૈયારીઓ કરવી પડતી હોય છે. એટલે જાન્યુઆરી 2024માં યોજાનારા સમિટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.છેલ્લે 2019માં વાઈબ્રન્ટ સમીટ યોજાઈ હતી તે બાદ કોરોના આવતા જ આ પ્રકારના આયોજનો મુલત્વી રહ્યા હતા
પણ હવે પરિસ્થિતિ સામાન્ય બનતા આગામી વર્ષે વાઈબ્રન્ટ સમીટ યોજવા નિર્ણય લેવાશે અને જુલાઈ માસથી જ આ માટે દેશ વિદેશમાં રોડ-શો સહિતની તૈયારી થશે. જો કે 2022માં એક તબકકે વાઈબ્રન્ટ સમીટ યોજવાની તૈયારી હતી પણ વૈશ્વિક રીતે રશિયા-યુક્રેનનો તનાવ સર્જાયો હતો તે ઓમિક્રોન વેરીએન્ટ પણ પરત દેખાતા સમીટ મુલત્વી રહ્યો હતો પણ હવે 2024નો વાઈબ્રન્ટ સમીટ એ લોકસભા ચુંટણી પુર્વેનો મેગા શો બનાવવાની તૈયારી છે અને અમેરિકા સહિતના તમામ મુખ્ય દેશો ઉપરાંત ગલ્ફ અને આફ્રિકન દેશોનું પણ પ્રતિનિધિત્વ વધે તે જોવાશે. રાજય સરકારે આ માટે રૂા.127 કરોડનું બજેટ પ્રાથમિક રીતે મંજુર કર્યુ છે તથા આગામી વાઈબ્રન્ટ એક થીમ પર હશે જે ભવિષ્યના ઔદ્યોગિક ચિત્રનું પ્રતિબિંબ પુરુ પાડતું હશે. (file photo)