રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી
નવી દિલ્હીઃ રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન આજે સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી હતી. આ દરમિયાન સભાપતિએ મલ્લિકાર્જુન ખડગે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, આપે ખુરશીનું જેટલુ અપમાન કર્યું છે, એટલું કોઈએ નથી કર્યું. ધનખડએ ચેતવણી આવતા જણાવ્યું હતું કે, દર વખતે આપ આ ખુરશીને નીચી ના દર્શાવી શકો.
કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ પોતાના સંબોધનમાં કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે મણિપુર, બ્લેકમની અ લદ્દાખ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કરીને આરોપ લગાવ્યો હતો કે, સરકારે છેલ્લા 10 વર્ષમાં જે વાયદા કર્યાં છે તે પુરા કર્યા નથી. તિવારી જ્યારે આ બોલી રહ્યાં હતા તે સમયે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ કંઈક બોલવાનું શરૂ કર્યું હતું. જેને લઈને સભાપતિએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ તિવારીએ ફરીથી સંબોધન શરૂ કરીને પેટ્રોલ-ડીઝલની કિંમત સહિતના મુદ્દા ઉપર સરકાર ઉપર પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું કે, દુનિયાના બજારમાં ઓઈલની કિંમતમાં ઘટાડો થયો છે પરંતુ અહીં વધ્યાં છે. તેમાં પીએમ મોદીના મિત્રોનું કંઈક છે. જે મુદ્દે સભાપતિએ તિવારીને ટપારતા કહ્યું કે, તથ્થોના આધારે આવા આરોપ ના લગાવો, આ દરમિયાન જયરામ રમેશ પોતાની બેઠક ઉપરથી ઉભા થયા હતા અને કંઈક બોલવાનું શરૂ કરી દીધું હતું.
સભાપતિએ જયરામ રમેશ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જયરામ એટલા સમજદાર છે કે તેમણે ખડગેની જગ્યાએ બેસવું જોઈએ. આ દરમિયાન ખડગેએ બેઠક ઉપરથી ઉભા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને બાજુમાં બેઠેલા સોનિયા ગાંધી તરફ ઈશારો કરીને કહ્યું કે, મને બનાવનાર અહીં બેઠા છે. મને જયરામ રમેશ બનાવી શકતા નથી અને આપ મને બનાવી શકતા નથી. ખડગેના આ નિવેદન અંગે ઘનખડએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું કે, આપ દર વખતે ખુરશીને નીચી દેખાડી નથી શકતા. આપ દર વખતે ખુરશીનું અનાદર ના કરી શકો, આપ અચાનક બેઠકર ઉપરથી ઉભા થઈ જાવ છો, હું શું કહી રહ્યો છું તે સમજ્યા વિના કંઈ પણ બોલી નાખો છો. આ દેશ અને સંસદીય લોકતંત્ર તથા રાજ્યસભાની કાર્યવાહીના ઈતિહાસમાં ખુરશી પ્રત્યે આટલુ અનાદર ક્યારેય નથી થઈ, જેટલી આપે કરી છે. હવે આપનો આત્મચિંતન કરવાનો સમય આવી ગયો છે.