ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ જ્યોતીલિંગમાં પૂજા-અર્ચના કરી
અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ દ્વારકા ખાતે જગત મંદિરમાં દર્શન કર્યાં હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી – મકનપુર દ્વારા અને કસ્તુરબાગાંધી વિદ્યાલય – આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સપરિવાર નાગેશ્વર મહાદેવ જ્યોતીર્લિંગની પણ પૂજા કરી હતી. તેઓ દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકી શ્રી નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શનાર્થે ગયા હતા. અહીં તેઓનું પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાથી 14 કિ.મી. દૂર બિરાજમાન જ્યોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી.
દરમિયાન ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ પોરબંદર પણ ગયા હતા જ્યાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ-કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ સહ પરિવાર મહાત્મા ગાંધીજીના સ્મૃતિ ગેલેરી રૂમની મુલાકાત લઈ ચરખો સહિતની વસ્તુઓ અને બાપુની જીવનદર્શિની નિહાળી હતી. તેઓએ કીર્તિ મંદિર વિઝિટ બુકમાં પણ નોંધ કરી હતી.