અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ દ્વારકા ખાતે જગત મંદિરમાં દર્શન કર્યાં હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતા.
દરમિયાન ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ પોરબંદર પણ ગયા હતા જ્યાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ-કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ સહ પરિવાર મહાત્મા ગાંધીજીના સ્મૃતિ ગેલેરી રૂમની મુલાકાત લઈ ચરખો સહિતની વસ્તુઓ અને બાપુની જીવનદર્શિની નિહાળી હતી. તેઓએ કીર્તિ મંદિર વિઝિટ બુકમાં પણ નોંધ કરી હતી.