Site icon Revoi.in

વડોદરાના દુર્ઘટના કેસમાં પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં કરી રિટ, મ્યુનિ.કમિશનર સામે પગલા લેવા માગ

Social Share

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં હરણી લેકમાં હોડી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14ના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કમિટી નીમી હતી, દરમિયાન આ દુર્ઘટનાના પીડિત પરિવારો દ્વારા  એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. જેમાં  સુપ્રીમ કોર્ટ કાયદા પ્રમાણે વધુ વળતર ચૂકવવા તેમજ  આ દૂર્ઘટના માટે જવાબદાર સ્કૂલના સંચાલકો,  વડોદરા શહેરના મ્યુનિ. કમિશનર, વડોદરાના કલેક્ટર સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે.

પીડિતોના એડવોકેટના જણાવ્યા મુજબ  બોટ દુર્ઘટનામાં વડોદરા મ્યુનિ.કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની રજૂઆત કરાઈ છે. પેડલ બોટની પરવાનગી હતી છતાં આરોપીઓ એન્જિન બોટ ચલાવતા હતા. સુપ્રીમ કોર્ટમાં મ્યુનિ. કમિશનર વિનોદ રાવે નોટરાઈઝ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. કલેક્ટરે NOC કેવી રીતે આપી તે સવાલ છે. અધિકારીઓની બેદરકારીથી માનવસર્જિત દુર્ઘટના સર્જાઈ છે. જાહેર હિતની અરજી અને રીટ પિટિશન બંને મુદ્દેની આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ઘટના અંગે સુઓમોટો લેવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. હાઈકોર્ટે સમાચાર સંસ્થાઓના અહેવાલને ટાંકીને ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીનીની બેન્ચ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. VMC અને PPP મોડેલ ઉપર ફન ટાઇમ અરેનાને બોટ ચલાવવા કોન્ટ્રેક્ટ આપ્યો હતો. સમાચાર સંસ્થાઓના અહેવાલ વિચલિત કરનારો છે કે, બોટિંગ સ્થળે કોઈ સલામતીના નિયમો પાળતા નહોતા. બોટિંગ કરનાર બાળકોને લાઇફ સેવિંગ જેકેટ પણ આપ્યા નહોતા. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી આ ઘટના અંગે એક્શન ટેકન રિપોર્ટ આપશે અને ગેજેટેડ ઓફિસર એફિડેવિટ ફાઈલ કરશે. આ સુઓમોટો પિટિશન ઉપર 29 જાન્યુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાશે.