અમદાવાદઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજની ભવ્ય જીતને પગલે મુખ્યંત્રી વિજય રૂપાણીએ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ જીતથી વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીનો પાયો નખાયો હોવાનું જણાવ્યું હતું.
ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિજય ઉજવણીમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શહેરોમાં ભાજપ છે પરંતુ ગામડામાં ભાજપને જીત નહીં મળે તેવી વાતો થતી હતી. જો કે, આ તમામ વાતો ખોટી સાબિત થઈ છે. મોરબીમાં 52માંથી 52 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને સંબંધીઓ હારી ગયા છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે બતાવે છે ગુજરાત ભાજપનું ગઢ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ અને તેમના સંગઠનની ટીમ અને લાખો કાર્યકરોએ જે પરિશ્રમ કર્યો છે જેના કારણે આ વિક્રમજનક વિજય મળ્યો છે. ભૂતકાળમાં આટલી બધી બેઠકો કોઈને મળી નથી જે ભાજપને મળી છે. આ ભાજપના કાર્યકરો અને સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠલ સફળ બન્યું છે. વિકાસ મુદ્દે અમે આગળ વધ્યાં હતી. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. વર્ષ 2019માં લોકસભાની 26 બેઠકો ભાજપનો ભવ્ય વિજય થયો હતો. વિધાનસભાની આઠ બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપની જીત થઈ હતી. આમ વર્ષ 2022ની ચૂંટણીનો પાયો નખાયો છે. અમારી જવાબદારી વધી છે પ્રજાનો વિશ્વાસ એળે નહીં જાય. જ્યાં માનવી ત્યાં સુવિધા અમે પહોંચાડીશું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની મત ગણતરી ના થાય તે માટે હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જો કે, કોંગ્રેસનો કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પરાજય થયો હતો. કોંગ્રેસને પહેલાથી જ ખબર હતી કે ચિંતાજનક સ્થિતિ છે. કોંગ્રેસ ડુબતી નાવ છે કોંગ્રેસ સત્તા નહીં પણ વિપક્ષ માટે પણ લાયક નથી.