Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

Social Share

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીત છે. તે લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.”

હરિયાણામાં આ વખતે કોંગ્રેસ ખેડૂતો અને કુસ્તીબાજોના મુદ્દાઓ પર 10 વર્ષ બાદ સત્તામાં પરત ફરવાની આશા રાખતી હતી, પરંતુ એવું થયું નહીં. હરિયાણામાં ભાજપે હેટ્રિક ફટકારીને મોટી જીત હાંસલ કરી છે. હરિયાણામાં કોંગ્રેસની હાર પર પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પરિણામોનું વિશ્લેષણ કરવાની વાત કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમે ચૂંટણી પંચને અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો વિશે જાણ કરીશું. અમે અધિકારો માટે, સામાજિક અને આર્થિક ન્યાય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.”

નેશનલ કોન્ફરન્સ (NC) 42 બેઠકો સાથે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને તેના સહયોગી સાથી કોંગ્રેસ (6 બેઠકો) સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી સરકાર બનાવવાની તૈયારીમાં છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન એટલું સારું નથી, કારણ કે તેને જમ્મુ ક્ષેત્રમાં માત્ર એક બેઠક મળી છે.

લોકસભા ચૂંટણી બાદ માનવામાં આવી રહ્યું હતું કે, હરિયાણામાં કોંગ્રેસ આ વખતે સરકાર બનાવી શકે છે, પરંતુ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર કોંગ્રેસની આશા પર પાણી ફરવી નાખ્યું છે. હરિયાણામાં હાર બાદ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સાથી પક્ષો સાથે બેઠકો પર સંકલન કરવામાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી શકે છે. આ બંને રાજ્યોમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.