બદ્રીનાથ ધામમાં બરફની ચાદર વચ્ચે તપસ્યા કરતા સાધુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
લખનૌઃ ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા વરસી હતી. હાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ખાતે ચારેય બાજુ બરફની ચાદર પથરાઈ છે. તેમજ હાલ અહીં તાપમાનનો પારો માઈનન્સમાં પહોંચ્યો હતો. દરમિયાન અહીં એક સાધુ બરફની ચાદર વચ્ચે ધ્યાન કરતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બદ્રીનાથ ધામ વિસ્તારમાં હાલ ચારેય તરફ બરફ છવાયેલો છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા ભક્તો માટે બદ્રીનાથના દરવાજા ખોલવામાં આવશે. બદ્રીનાથ ધામના દરવાજા બંધ થવા દરમિયાન કેટલાક સાધુઓ વહીવટીતંત્રની પરવાનગી લઈને બદ્રીનાથ ધામમાં તપસ્યા કરે છે. દરમિયાન અહીં તપસ્યા કરતા એક સાધુનો વીડિયો વાયરલ થયો છે. સાધુ નારાયણનો જાપ કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. તેમજ લોકો સાધુની તપસ્યાને લઈને વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.
ચારધામ યાત્રા આગામી 22 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલથી વિધિ સાથે ખોલવામાં આવશે. રાજમહેલ નરેન્દ્ર નગરમાં આયોજિત ધાર્મિક સમારોહમાં બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. તો ગાડૂ ઘડા (તેલ કળશ) યાત્રા માટે 12 એપ્રિલનો દિવસ નક્કી કરવામા આવ્યો છે.