- સુરતમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો,
- ડીજેના તાલે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ભાવિકો ભાવુક બન્યા,
- પોલીસનો સઘન બેદોબસ્ત ગોઠવાયો
અમદાવાદઃ ગુજરાતભરમાં આજે અનંત ચર્તુદશીના દિને ગણેશજીને ભાવપૂર્ણ રીતે વિદાય આપવામાં આવી હતી. 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. સુરતના ચૌક બજાર વિસ્તારમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કબૂત ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો હતો. જ્યારે વડોદરા શહેરના નવલખી કુત્રિમ તળાવ સહિત વિવિધ તળાવોમાં ગણપતિ બાપાને વિદાય આપવા ભાવિકો ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં રિવરફ્રન્ટ સહિત મ્યુનિએ બનાવેલા કૃત્રિમ કુંડમાં સવારથી જ લોકો ગણેશજીના વિસર્જન માટે પહોંચી રહ્યા હતા, તેમજ રાજકોટમાં પોલીસના 1500, ફાયરનાં 80 જવાનોની દેખરેખમાં લોકો દુંદાળા દેવને વિદાય આપી હતી. મ્યુનિ. દ્વારા ગણેશજી વિસર્જન માટે આઠ જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં તમામ શહેરો અને નાના મોટા ગામોમાં આજે ગણેશ વિસર્જનનો તહેવાર શાંતિપૂર્ણરીતે ઊજવાયો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ નહીં અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થઈ શકે. આ હેતુથી ગણેશ ઉત્સવના સમગ્ર દિવસો દરમિયાન દરેક પંડાલ પાસે ચાંપતી પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી તથા વિસર્જનના દિવસે પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને પોલીસ સુરક્ષા સાથે વિસર્જનનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરના 627 જેટલા મોટા ગણેશ પંડાલના ગણપતિની મૂર્તિ તથા સોસાયટી, ગલી, મોહલ્લા અને ઘરોમાંથી ગણપતિ મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત સુરક્ષામાં હાજર છે. આ બાબતે અમદાવાદ શહેર સેક્ટર 1 જેસીપી નીરજકુમાર બડગુજરે જણાવ્યું હતું કે, સુરત કે વડોદરા જેવી ગણેશ ઉત્સવ દરમિયાન ઘટના બની હતી તે અમદાવાદમાં ન બને તે માટે પૂરતી સુરક્ષા રાખવામાં આવી હતી તથા દરેક સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેરમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમિયાન સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યુ હતું.
ગણેશ ચતુર્થીથી વડોદરા શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારેલા ભગવાન ગણેશજીને આજે નગરજનોએ પૂઢચ્યા વર્ષી લવકરયાના વચન લઇ ભારે હૈયે ભાવભરી વિદાય આપી હતી. સવારથી જ વડોદરા શહેરના નવલખી કુત્રિમ તળાવ સહિત વિવિધ તળાવોમાં ત્રીજીને વિદાય આપવા પરિવારજનો આવી પહોંચ્યા હતા. જ્યારે સુરત શહેરમાં ડુમસ-હજીરા ઉપરાંત પાલિકાએ બનાવેલા 21 કૃત્રિમ તળાવોમાં સવારે 6 વાગ્યાથી ગણેશજી વિસર્જન માટે લોકો આવી રહ્યા હતા. શહેરમાં પહેલીવાર ભેસાણ રૂટ પર યાત્રા નીકળી હતી.