ગાંધીનગરઃ રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની પાંચમી સામાન્ય બેઠકનું આયોજન ખાતે રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણના વિવિધ કાયદાઓનું રાજ્યકક્ષાએ ચુસ્તપણે પાલન અને અમલીકરણ થાય તે અર્થે મહત્વના પેટશોપ, ડોગ બ્રિડિંગ, સ્લોટર હાઉસ વગેરે નિયમો વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી, અને તેના અમલીકરણ અર્થે મંત્રી દ્વારા જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રાણી કલ્યાણ બોર્ડની સક્રિયતા અને સજાગતાના પરિણામે ગુજરાતમાં અનેક પશુઓના જીવ બચાવવા ઉપરાંત પશુઓ ઉપર થતી ક્રૂરતામાં ઘટાડો કરી શકાયો છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણની બાબતોનું સત્વરે નિરાકરણ લાવી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતીઓની રચના કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણની પ્રવૃતિને વેગ આપવાની બાબતને અગ્રસ્થાને રાખી બેઠક દરમિયાન બોર્ડના તમામ સભ્યોના સૂચનો સ્વિકારી જિલ્લા કક્ષાએ તેનું અમલીકરણ કરવા જણાવવામાં આવ્યું હતું.
પશુપાલન મંત્રીએ મુંગા પશુઓની ભાવનાઓને વાચા આપવા માટે રાજ્યમાં સમયાંતરે પશુઓ સંબધિત દિવસો તથા પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી બાબતે સદવિચાર વ્યક્ત કર્યો હતો. રાજ્યની પાંજરાપોળ અને ઢોરડબ્બાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા અંગે તથા પશુઓની સુખાકારી વધારવાની કામગીરી અંગે સૂચન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણના કાયદાઓનો રાજ્યકક્ષાએ અમલ કરાવવા માટે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ કાર્યરત છે. જે રાજ્ય સરકાર તથા સ્થાનિક સત્તા મંડળોને પ્રાણીઓની બિનજરૂરી પીડા અને વેદના ઘટાડવા માટે માર્ગદર્શન આપવાની કામગીરી કરે છે. આ બોર્ડના અધ્યક્ષશ્રી અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ સમયાંતરે બેઠકોનું આયોજન કરી પ્રાણી કલ્યાણને લગતી કામગીરીને પ્રોત્સાહન પુરૂ પાડે છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, પોલીસ વિભાગ તરફથી આઇ.જી.પી. ક્રાઇમ સુભાષ ત્રિવેદી સહિત બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.