કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગાંધીનગર: દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોવાયરસના ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે. તેને લઈને દેશના કેટલાક રાજ્યના પ્રશાસન દ્વારા પગલા પણ લેવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે, કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે, કારણ કે લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ.
આગળ તેમણે ઉમેરતા કહ્યું હતું કે, વડોદરાના પાદરા નજીક ડભાસા ગામની નજીક આવેલી ક્રોસ રોડ હોસ્પિટલના પરિસરમાં ૭૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ થશે.
રૂપાણી સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે 40 હજાર બેડની અને હાલમાં આગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જો કે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં હજુ સુધી કોરોનાવાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાવાયરસનું સંક્રમણ દેશમાં હાલ ઓછુ થયું છે અને નોંધપાત્ર રીતે હવે ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા છે.
દેશમાં તથા ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ પુરજોશથી ચાલી રહી છે અને રોજ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે જેથી કરીને ત્રીજી લહેર આવે તો લોકોને સંક્રમિત થતા બચાવી શકાય. હાલ કેટલાક રાજ્યોમાં લોકડાઉનના પ્રતિબંધોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.