અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અચાનક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપતા વિવિધ અટકળો વહેતી થઈ થઈ છે. વિજય રૂપાણીએ હવે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવવાની તૈયારી દર્શાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું તે પૂર્વે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એસ.સંતોષ અચાનક ગુજરાત આવ્યાં હતા. તેમજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજપાલ દેવવ્રત આચાર્યજીને મળીને રાજીનામું આપ્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.
રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું ભાજપ પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે એક કાર્યકરતાને સીએમની મહત્વની જવાબદારી આપી હતી. મે આ જવાબદારી સારી રીતે નીભાવી છે. પીએમ નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું છે. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિકાસ અને જનકલ્પાણના કામોએ નવી ઉંચાઈ પર પહોંચ્યાં છે. ગુજરાતની વિકાસયાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નવા ઉત્સાહ અને ઉર્જા સાથે નવા નૈતૃત્વમાં આગળ વધવું જોઈએ, તે ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાની સેવા કરવાની સાથે વિકાસની યાત્રાને આગળ વધારવામાં આવી છે. હવે પાર્ટી જે પણ જવાબદારી મને આપશે તે સામાન્ય કાર્યકરી તરીકે નિભાવીશ.
તેમણે ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષના સમયગાળામાં થયેલી ચૂંટણીઓમાં જનતાએ અમને આર્શીવાદ આપ્યા હતા. તેમજ જનહિત માટે કામ કરવાનો મોકો મળ્યો હતો.