ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર મંત્રીઓ પાસેથી ખાતાં આંચકી લેવાયા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મલાકાતે આવ્યા છે. દરમિયાન ભાજપની મહત્વની ગણાતી કોર કમિટીમાં નીતિન પટેલ અને વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે સત્તાધારી ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે.ગતરોજ બે મોટા મંત્રીઓના ખાતા પરત લેવાના મોટા નિર્ણય બાદ વધુ એક મોટો નિર્ણય કરાયો છે. ચૂંટણી પહેલા ભાજપની કોર કમિટીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપની નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ Dy.CM નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ કરાયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા જેમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ અને પાંચ મહામંત્રીઓનો સમાવેશ થયો હતો.
ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી સિનિયર નેતાઓને કોર ગ્રુપમાં સ્થાન અપાયું છે. આ બેઠકમાં ચૂંટણી લક્ષી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને બેઠકમાં સરકાર અને સંગઠનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષે કમલમ ખાતે સોશિયલ મીડિયા અને IT સેલના હોદ્દેદારો સાથે બેઠક યોજીને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. વર્તમાન સ્થતિમાં IT અને સોશિયલ મીડિયાની કામગીરીનું નિરિક્ષણ કર્યું અને કેવી તૈયારી તે અંગે ચર્ચા કરાઇ હતી.