Site icon Revoi.in

ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાય પર પસંદગીનો કળશ ઢોળાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ વડા (ડીજીપી) આશિષ ભાટિયા વય મર્યાદાને કારણે આજે નિવૃત થતાં તેમના સ્થાને  આઈપીએસ વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપાયો છે. આ માટે 3 IPS અધિકારીઓ DGPની રેસમાં હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. ગુજરાતના પોલીસ વડા તરીકે કોને પસંદ કરાશે તેની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જેમાં DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય કાયમી નહીં પરંતુ ઈન્ચાર્જ DGP તરીકે કાર્યરત રહેશે. વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં સેવા આપી હતી. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. જો કે અત્યારે તેઓ ઈન્ચાર્જ ડીજીપી તરીકે જ જવાબદારી સંભાળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો.માં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષાશક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી હતી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.