વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો
દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ મિશન છે અને તેને ઈસરો તેમજ ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (INSPACE) તરફથી સમર્થન પણ મળેલું છે.
સ્કાયરૂટ એરોસ્પેસની રોકેટ શ્રેણીને શા માટે ‘વિક્રમ’ નામ આપવામાં આવ્યું? શું છે વિશેષતા?
આ કંપનીએ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના જનક અને ISROના સ્થાપક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ રૂપે પોતાની આ શ્રેણીના પ્રક્ષેપણ વાહનોનું નામ ‘વિક્રમ’ રાખ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ સ્પેસ ફ્લાઈટ્સને સસ્તી, વિશ્વસનીય અને સૌની માટે નિયમિત બનાવવાના તેના મિશનને આગળ વધારવાનું લક્ષ્ય રાખે છે. વિક્રમ એ મોડ્યુલર સ્પેસ લોંચ વાહનોની શ્રેણી છે જે ખાસ કરીને નાના સેટેલાઇટ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી છે, અને આશા છે કે તેના દ્વારા આવનારા દાયકામાં 20,000 થી વધુ નાના ઉપગ્રહો લોન્ચ કરવામાં સફળતા મળશે. સ્કાયરૂટ એરોસ્પેસના જણાવ્યા અનુસાર લોન્ચ વાહનોમાં મલ્ટી-ઓર્બિટ ઇન્સર્ટેશન અને ઇન્ટરપ્લેનેટરી મિશન કરવા જેવી અનન્ય ક્ષમતાઓ છે.
(ફોટો: ફાઈલ)