દક્ષિણ ગુજરાતઃ નવસારીના આ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, આરોગ્ય વિભાગ દોડતું થયું
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ બીજી તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. મેગાસિટી અમદાવાદમાં મોટી સંખ્યામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસાલી જિલ્લાના અંબાડા ગામમાં મોટી સંખ્યામાં લોકોને કોલેરા થતા તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન જિલ્લા કલેકટરે આ ગામમાં કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી તાલુકાના અંબાડા ગામના તળાવ ફળિયામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા દૂષિત પાણી પાઈપલાઈનમાં ભળી ગયું હતું. જેને પગલે છેલ્લા 2 દિવસથી ઝાડા – ઉલ્ટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં અસરગ્રસ્ત 63 દર્દીઓ પૈકી 34 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 31 દર્દીઓને ઘરે સારવાર અપાઇ રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરને જાણ થતાં તેમણે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી યુદ્ધના ધોરણે તમામ આસપાસના ચાર ગામ ઉગત, તોડી, વસર, સીંગોડમાં સાફ – સફાઈ અભિયાન, દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંગોદ ગામને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેની અને પાણીના નમૂના લઈ પૃથ્થકરણ માટે કામગીરી હાથ ધરી તપાસ માટે સુરત ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. અંબાડા ગામે બે જ દિવસમાં ઉપરાછાપરી ઝાડા-ઊલ્ટીના 63 કેસ મળી આવતા અને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા કલેકટરે અંબાડા કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું. આજુબાજુમાં આવેલા ઉગત ,તોડી, વસર અને સીગોદ એમ ચારેય ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.