દસાડામાં પીવાના પાણી માટે રજુઆત કરવા ગયેલા ગ્રામજનો અને પંચાયતના કર્મચારીઓ બાખડી પડ્યાં
સુરેન્દ્રનગરઃ જિલ્લાના અનેક ગામડાંમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પીવાના પાણીને લઈને તંત્ર અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ પણ થતી હોય છે. જિલ્લાના દસાડામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા ગ્રામજનો રજુઆત કરવા માટે ગ્રામ પંચાતયની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે બોલાચલી થયા બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં પાણી સમસ્યા સર્જાઈ છે. ત્યારે દસાડા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા આવેલા ગામલોકો અને પંચાયતના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઉનાળાની સીઝન હાલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઠેર-ઠેર પાણીની સમસ્યા જોવા મળી રહી છે. અત્યારે એક બાજુ રમજાન માસ ચાલે છે અને બીજી બાજુ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે દસાડાના પરાવિસ્તાર, ઠાકોરવાસ અને સોલંકીવાસ સહિતના ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચતું નથી. આ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા મામલે વારંવાર દસાડા ગામ પંચાયતમાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે ફરી એકવાર ગ્રામ પંચાયતમાં પીવાના પાણીને લઈ મહિલાઓ સહિત ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દસાડા ગામ પંચાયતના વિવિધ પ્રશ્નો બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. દસાડા ગ્રામ પંચાયતમા છેલ્લા ઘણાં સમયથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બની છે. દસાડાના સોલંકી વાસમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. જે અંગે આ વિસ્તારની મહિલાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ સાંભળતુ નથી. આ વિસ્તારમાં 45 ડીગ્રીની આગ ઓકતી ગરમીમાં ભર બપોરે મહિલાઓને માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. આથી દસાડાના પરા વિસ્તારની મહિલાઓ પીવાના પાણીની વિકટ સમસ્યા મામલે ગ્રામ પંચાયત કચેરીએ ધસી જઇ ઉગ્ર રજૂઆતો સાથે હલ્લાબોલ મચાવ્યો હતો. દસાડા ગ્રામ પંચાયત કચેરીમાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળતા અફડાતફડી મચી હતી.